લોધિકાના ચીભડાં ગામે સાથણીની જમીન અંગે કલેકટરનો ચુકાદો
40 વર્ષથી જ્યાં તળાવ છે ત્યાં જમીન દર્શાવતી નોંધ રદ્દ કરવા હુકમ
સાંગણવા ગામના ખેડૂતોએ નોંધને પડકારતા નાયબ કલેકટરે નોંધ રદ કરવા કરેલા હુકમને કલેકટરે કાયમ રાખ્યો
રાજકોટ : સાથણીની જમીનમાં કબજા ફેરના અનેક કિસ્સાઓમાં હાલમાં મહેસુલી અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે આવા જ એક કેસમાં લોધીકા તાલુકાના ચીભડાં ગામે સાથણીની જમીન તળાવમાં દર્શાવી વેચાણ દસ્તાવેજ કરી નાખવાના કેસમાં નાયબ કલેકટર રાજકોટ ગ્રામ્યએ ચર્તુદિશામાં વિસંગતતા જણાતા સાંગણવા ગામના ખેડૂતોએ રજૂ કરેલા વાંધાઓ ધ્યાને લઈ વેચાણ નોંધ રદ્દ કરવા કરેલા હુકમ અંગે તકરારી નોંધની કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતા જિલ્લા કલેકટરે પણ નાયબ કલેકટરના હુકમને યોગ્ય ગણાવી નોંધ અપીલ અરજીને ફગાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ચીભડાં ગામના રેવન્યુ સર્વે નંબર 1375ની જમીન વર્ષ 1975માં ડેપ્યુટી કલેકટરના હુકમથી 3 એકર જમીન રૂડાભાઈ ભીમાભાઇ દાફડાને ફાળવવામાં આવ્યા બાદ આ જમીન 1998માં જૂની શરતમાં ફરતા મૂળ સાથણીદાર પાસેથી મહેશભાઈ ભુરાભાઇ રાઠોડે જમીન ખરીદી હતી. જે બાદમાં તેમની પાસેથી આ જમીન વિઠ્ઠલભાઈ ગાંડુભાઇ સોરઠીયાએ ખરીદ કરતા લોધીકા તાલુકાના પાંચ ખેડૂતોએ જે જમીન વેચાણ દસ્તાવેજમાં દર્શાવવામાં આવી છે તે જમીનમાં સાંગણવા ગ્રામ પંચાયતનો કૂવો હોવાનું તેમજ જિલ્લા પંચાયતે અહીં 40 વર્ષ પહેલા તળાવ બનાવ્યું હોવાના પુરાવાઓ સાથે વેચાણ દસ્તાવેજ મુજબની નોંધ સામે તકરાર લેતા નાયબ કલેકટર રાજકોટ ગ્રામ્યએ તમામ પુરાવા ધ્યાને લઈ ચર્તુદિશામાં વિસંગતતા જણાતા નોંધ રદ્દ કરવા હુકમ કર્યો હતો.
જેની સામે અરજદાર વિઠ્ઠલભાઈ ગાંડુભાઇ સોરઠીયા અને ધીરુભાઈ નરસંગભાઇ કુંગશીયાએ જિલ્લા કલેકટર સમક્ષ તકરારી નોંધ અંગે અપીલ અરજી કરી હતી. નોંધનીય છે કે, આ કેસમાં સિંચાઈ વિભાગને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યો હતો અને વાદીઓ તેમજ પ્રતિવાદીઓની દલીલો તેમજ પુરાવાઓ જોતા જિલ્લા કલેકટર પ્રભવઃ જોશીએ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીએ આપેલા ચુકાદામાં હસ્તક્ષેપ કરવો ઉચિત જણાતો ન હોય નાયબ કલેકટરનો તળાવની જમીનમાં સાંથણીની જમીન દર્શાવતા વેચાણ દસ્તાવેજની તકરારી નોંધની અપીલ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો કર્યો હતો.