રાજકોટમાં ઠંડી ઘટી, ગરમી વધી
લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી
રાજકોટ : સામાન્ય સંજોગોમાં માગશર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માગસર મહિનાના પ્રારંભ સાથે શિયાળાએ જમાવટ કરવાને બદલે ગાયબ થયો હોય તેવી સ્થિતિમાં ફરી તાપમાનમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી ઠંડી ગાયબ થઇ ગઈ છે ઉલટું મહત્તમ તાપમાનમાં વધારો થતા દિવસે અને રાત્રીના લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ લાંબા સમય સુધી ગરમીનો અહેસાસ થયા બાદ છેલ્લા પંદરેક દિવસથી તાપમાનમાં ઘટાડો થતા રાજકોટમાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ હતી અને સોમવારે લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાતા લોકોને હવે શિયાળો જામશે તેવો અહેસાસ થયા બાદ મંગળવારે લઘુતમ તાપમાન વધીને 15.4 ડિગ્રી અને બુધવારે બે ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઇ ગઈ હતી. એ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો વધારો બે દિવસમાં થતા બુધવારે 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.