નાગરિક બેન્કની ‘પ્રતિષ્ઠા’ મતપેટીમાં કેદ
દસ લાખ લોકોનો પરિવાર ધરાવતી બેન્કમાં કૌભાંડ થયાના આરોપ બાદ યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન
રાજકોટ સહિત ૭ શહેરોમાં મળી કુલ ૯૬.૩૯% મતદાન મંગળવારે મત ગણતરી: સહકાર પેનલનું પલડું ભારે
ઘણા લાંબા સમયથી જેની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગેલી છે તે રાજકોટ નાગરિક સહકારી બેંકના ૧૫ ડીરેક્ટર ચૂંટવા માટે રવિવારે રાજકોટ સહિત સાત શહેરોમાં મતદાન થયુ હતું. સવારે ૮ વાગ્યાથી શરુ થયેલું મતદાન સાંજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ હતું. આ ચૂંટણી સત્તાધારી સહકારી પેનલ અને વિરોધી જૂથની સંસ્કાર પેનલ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની હતી.

નાગરિક બેન્કની ચૂંટણીમાં કુલ ૩૩૨ ડેલીગેટસ એટલે કે મતદાર હતા. અને તે પૈકી ૨૮૮ પુરુષ અને ૪૪ મહિલા મતદાર હતા. રવિવારે થયેલા મતદાનમાં કુક્લ ૨૭૭ પુરુષ મતદાર અને ૪૩ મહિલા મતદારે ભાગ લીધો હતો અને કુલ મતદાનની ટકાવારી ૯૬.૩૯ ટકા નોંધાઈ હતી. કુલ ૭ મતદારોએ મતદાન કર્યું ન હતુ. આ સાત પૈકી પાંચ મતદાર બહારગામ હોવાનુ જણાવાયુ હતું જયારે બાકીના બે પૈકી એક બીમાર હોવાનું અને એકનું અવસાન થયુ હોવાનુ જાહેર થયુ હતુ.

રાજકોટમાં રવિવારે સવારથી જ નાગરિક બેન્કની મુખ્ય શાખામાં મતદાન શરુ થયુ હતુ. આ ચૂંટણીમાં સહકાર પેનલને સફરજન અને સંસ્કાર પેનલને માઇકનું પ્રતિક ફાળવાયુ હતુ. રાજકોટમાં ૧૯૬ ડેલીગેટ્સમાંથી ૧૫૬ પુરુષ અને ૩૩ મહિલા મતદાર મળીને ૧૮૯ મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી ૯૬.૪૩ ટકા રહી હતી.
જેતપુરમાં ૩૮ પુરુષ અને ૩ મહિલા મળીને કુલ ૪૧ એટલે કે તમામ મતદારોએ મતદાન કરતા ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું.
મોરબીમાં ૪૩ મતદારો પૈકી ૩૯ પુરુષ અને ૩ મહિલા મળીને કુલ ૪૨ લોકોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી ૯૭.૬૭ ટકા થઇ હતી.
અમદાવાદમાં કુલ મતદારોમાંથી ૯ પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી ૮૧.૮૨ નોંધાઈ હતી.
જસદણમાં ૨૯ મતદારો પૈકી ૨૩ પુરુષ અને ૪ મહિલાઓ મળીને કુલ ૨૭ મતદારોને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાનની ટકાવારી ૯૩.૧૦ ટકા થઇ હતી.
સુરતમાં ૮ મતદારો પૈકી તમામે મતદાન કરતા ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું અને એ જ રીતે મુંબઈનાં ઘાટકોપર ( ઈસ્ટ)માં ૪ મતદારોમાંથી ચારેયે મતદાન કરતા ત્યાં પણ ૧૦૦ ટકા મતદાન થયુ હતું.
આ ચૂંટણીમાં સહકાર પેનલનું પલડું ભારે હોવાની ચર્ચા થઇ રહી છે. વિરોધી જૂથની સંસ્કાર પેનલે ઉમેદવારો પણ ઓછા ઉભા રાખ્યા હતા અને ૧૫ બેઠકો ઉપર તેમના ૧૧ ઉમેદવારો જ ચૂંટણી લડ્યા હતા. તેમના ચાર ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જયારે છ બેઠક બિનહરીફ થઇ હતી.
કાલે સવારે ૮ વાગ્યાથી મતગણતરી
આ મતદાન બાદ હવે સૌની નજર મંગળવારે થનારી મત ગણતરી ઉપર ટકેલી છે. મત ગણતરી નાગરિક બેન્કની મુખ્ય શાખામાં સવારે ૮ વાગ્યાથી શરૂ થશે અને ટૂંક સમયમાં જ ટે્રન્ડ મળ્યા બાદ પરિણામ આવવા લાગશે. મતદારોની સંખ્યા માત્ર ૩૨૦ જ હોવાથી પરિણામ ઝડપથી આવશે તેવુ અનુમાન છે.
જે ૭ મત ઓછા પડ્યા તે કોના હતા?
રાજકોટમાં ૧૯૬ મતદાર હતા પરંતુ મતદાન પૂરું થયુ ત્યારે ૭ મત ઓછા નોંધાયા હતા. આ સાત મતદારોમાં ધરમશીભાઈ નાથાણી, પ્રફૂલગીરી ગોસ્વામી, સુનીલભાઈ કોઠારી, કિર્તીભાઈ શાહ અને અશ્વિનભાઈ ભીમાણી બહારગામ હોવાનું જાહેર થયું છે જયારે અન્ય એક કુસુમબેન કોઠારીની તબિયત નાદુરસ્ત હોવાનું અને જગદીશભાઈ લાઠીયા અવસાન પામ્યા હોવાનું જાહેર થયું છે.
જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે રહ્યું
ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે રહ્યું હતુ. આ ચૂંટણી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ ૭ મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે બનાવવામાં આવ્યા હતા. રાજકોટ મતક્ષેત્રની ૧૩ જનરલ સીટ માટે કુલ ૨૩ ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણી પ્રક્રિયા માટે ૩૫ પોલીંગ સ્ટાફ તથા ૨૧ રીઝર્વ સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. આ ચૂંટણી માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો હતો અને સમગ્ર મતદાન પ્રક્રિયાનું વેબકાસ્ટિગ પણ થયુ હતુ.