લાખો ભક્તોની આસ્થાના પ્રતિક ચોટીલા ડુંગર પર બિરાજતા ચામુંડા માતાજી
ચૈત્રી પૂનમ નિમિત્તે રાજ્યભરમાંથી અનેક ભક્તો આવે છે પગપાળા: તળેટીમાં બારે માસ ચાલતી ભોજનાલયમાં બપોરે ભક્તોને અપાય છે ભોજન-પ્રસાદ: 8માં નોરતે કરવામાં આવે છે નવચંડી યજ્ઞ
ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખર પર જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં પ્રસિદ્ધ એવા ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વત પર આવેલું છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહી ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી માં આદ્ય શક્તિને પ્રાથના કરી અને આદ્ય શક્તિ હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહા શક્તિ પ્રગટ થયા અને તેમણે બંને રાક્ષસનો સંહાર કર્યો. ત્યારથી મહા શક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાવવા લાગ્યા. માં ચામુંડા એ શક્તિના 64 અવતાર પૈકીનો એક અવતાર છે.
વર્ષની મુખ્ય ત્રણ નવરાત્રી મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના દર્શનાર્થે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ચોટીલા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો વળી ચૈત્રી પૂનમનું ખૂબ મહત્વ હોવાના કારણે રાજ્યના અનેક શહેરોમાંથી ભક્તો પગપાળા ચોટીલા દર્શન કરવા માટે આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. પગપાળા આવતા લોકો પોતાની સાથે 52 ગજની ધજા, માતાજીનો રથ લઈને આવતા હોય છે. પગપાળા આવતા લોકો માટે ઠેર-ઠેર સેવ કમ્પો પણ જુદી-જુદી સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઊભા કરવામાં આવે છે. જેમાં મેડિકલથી થી લઈને જમવા સુધીની વ્યવસ્થા રાખવામાં આવી હોય છે. આ ઉપરાંત ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા તળેટીમાં ભોજનાલય ચાલે છે જેમાં માતાજીના દર્શન કરવા આવતા ભક્તોને દરરોજ બપોરે ભોજ-પ્રસાદ આપવામાં આવે છે.
રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચોટીલા આવેલું હોય અહી માતાજીના દર્શનાર્થે રાજ્ય ઉપરાંત દેશભરમાંથી આવતા હોય ચોટીલા શહેરનો પણ વિકાસ થયો છે. હાઇ-વેની બંને બાજુ મોટી સંખ્યામાં હોટેલ બની છે જ્યારે તળેટી આસપાસના વિસ્તારોમાં માતાજીના હાર, ચુંદડી, પ્રસાદ સહિતની દુકાન પણ મોટા પ્રમાણમાં છે. જેના કારણે વેપારીઓને પણ રોજગારી મળી રહે છે.
અહી એક એવું પણ કહેવામાં આવે છે કે ચોટીલા ડુંગર પર કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. તેની પાછળ વિવિધ માન્યતાઓ રહેલી છે. એવું પણ કહેવામાં આવે છે કે, ચોટીલા ડુંગર પર રાત્રે સિંહ આવે છે જેના કારણે કોઈ રાત રોકતું નથી. જ્યારે એવું પણ માનવામાં આવે છે કે, જો ડુંગર પર રાત્રિ રોકાણ થાય તો અહીની પવિત્રતા જળવાય નહિ માટે અહી કોઈને રાત્રિ રોકાણ કરવા દેવામાં આવતું નથી.
બોક્સ
8માં નોરતે કરવામાં આવે છે નવચંડી યજ્ઞ
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચોટીલા માતાજીના દર્શનાર્થે નવરાત્રી દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરવા માટે જાય છે. નવરાત્રિમાં અહી ઝવેરાનું સ્થાપન કરવામાં આવશે. જ્યારે 8માં નોરતે હવનાષ્ટમી એટલે કે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવે છે. અહી માતાજીના મંદિરે વર્ષોથી નવચંડી યજ્ઞ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.
ચામુંડા માતાજીને રણચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે
ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને શક્તિની દેવી છે. માતાજીની છબીમાં જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. જ્યારે તેમનું વાહન સિંહ છે.