જુનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ: દોઢ લાખ ભાવિકો ઉમટી પડ્યા
ભાવિકોની ભીડ જોતાં તંત્રએ બુધવારની મધ્યરાત્રે જ પરિક્રમાનો પ્રવેશ દ્વારા ખોલી નાખ્યો: દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા ભવનાથ પહોંચ્યા
જુનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે ત્યારે મોટી સંખ્યામાં ભવિકો દેશ-વિદેશથી પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધવા માટે ઉમટી પડ્યા છે. દેવઉઠી અગિયારસની રાત્રીના 12 વાગ્યે વિધિવત રીતે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થતો હોય છે પરંતુ આ વર્ષે ભવનાથમાં પરિક્રમા અગાઉ જ અંદાજે દોઢ લાખ ભાવિકો ઉમટી પડ્યા હતા. તેવામાં ભીડને જોતાં તંત્રએ રાતોરાત ગેટ ખોલવાનો નિર્ણય લેવો પડ્યો હતો અને બુધવારની વહેલી સવારે 4 વાગ્યે પરિક્રમાનો પ્રવેશ દ્વારા ખોલી નાખવામાં આવ્યો હતો અને બુધવારે જ 50 હજાર જેટલા ભાવિકોએ પરિક્રમા રુટ પર એન્ટ્રી લઈ લીધી હતી.
ગિરનાર પર્વતની 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે સૌરાષ્ટ્ર સહિત દેશ અને વિદેશમાંથી પણ ભાવિકો જુનાગઢ પહોંચ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ જરૂરી પગલાં લીધા છે. લીલી પરિક્રમા ભાવિકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમાના આગલા દિવસે જ ભવનાથ ખાતે પહોંચી ગયા હતા. તો બીજી બાજુ ભાવિકોને જુનાગઢ પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા પણ પરિક્રમા માટે જુનાગઢ રુટ પર એકસ્ટ્રા બસ દોડાવી છે.
બીજી તરફ હાર્ટ એટેકના બનાવોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
પરિક્રમા દરમિયાન જો કોઈ આવી ઘટના બને તો લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય? તે માટે 80 જેટલા અન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈછિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોકટરો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મેડિકલ સેવા માટે પરિક્રમાના રુટ પર કેટલાક અંતરે 108 સેવા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે 6 ઝોનમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં 8 ડિવાયએસપી, 18 પીઆઇ, 110 પીએસઆઇ, સહિત પોલીસ કર્મચારી, હોમગાર્ડ્સ, જીઆરડી સીઆરપીએફની 2 ટુકડી સહિતનો ચુસ્ત બંદોબસ્ત પરિક્રમાના રૂપ પર ગોઠવવામાં આવ્યો છે.