‘અગ્નિકાંડનો તાપ’ ભાજપ સહન ન કરી શક્યો:ટાઈમપાસ’ જેવા પ્રશ્નમાં જ જનરલ બોર્ડ સમાપ્ત !
કોંગ્રેસે અગ્નિકાંડ મુદ્દે ચર્ચા સૌથી જરૂરી હોવાની માંગણી દોહરાવ્યે રાખી પણ કોઈએ ન સાંભળ્યુંતમારા પાપે ૨૭ લોકો માર્યા ગયા છે' કહેતાં જ વશરામ સાગઠિયા પર ભાજપના તમામ કોર્પોરેટરો તૂટી પડ્યા
ભાજપે કોંગ્રેસ ઉપર'ને કોંગ્રેસે ભાજપ ઉપર માછલા ધોયે રાખ્યા...પ્રજાને સ્પર્શતો એક પણ મુદ્દો ચર્ચાયો જ નહીં
૧૧:૧૫એ કોંગ્રેસે હોબાળો શરૂ કર્યો અને ૧૧:૫૧એ તમામને બહાર કઢાયા
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાં મળેલા જનરલ બોર્ડમાં ધારણા મુજબ જ હોબાળો થયો હતો. એકંદરે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચર્ચા કરવી સૌથી વધુ જરૂરી હોવાનું બોર્ડની કાર્યવાહીથી જ દોહરાવ્યું હતું પરંતુ અગ્નિકાંડનો
તાપ’ ભાજપના નગરસેવકોને સહન ન થઈ શક્યો હોય તેવી રીતે સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવાય છે તેવા ટાઈમપાસ' સમા પ્રશ્નમાં જ જનરલ બોર્ડની ૬૦ મિનિટની કાર્યવાહી સમાપ્ત કરી દેવામાં જ્વલંત સફળતા હાંસલ કરી હતી ! પોતાનું કોર્પોરેટરપદ બહાલ થયા બાદ કોંગ્રેસના વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈની બોર્ડની કાર્યવાહીમાં એન્ટ્રી થઈ હતી. આમ તો સાગઠિયાનો પ્રશ્ન બીજા ક્રમે હતો અને તે ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સંબંધિત હતો. જ્યારે ભાજપના નગરસેવિકા જ્યોત્સનાબેન ટીલાળાનો ગ્રાન્ટને લગતો પ્રશ્ન પ્રથમ ક્રમે હતો. જો પ્રથમ પ્રશ્ન ઝડપથી પૂર્ણ થઈ જાય અને કોંગ્રેસનો અગ્નિકાંડને લગત પ્રશ્ન ચર્ચામાં આવી જાય તો ભાજપે ભીંસમાં મુકાઈ જવું પડે તેવી ભીતિ હોવાથી એક જ પ્રશ્નમાં કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી.
પ્રશ્નનો જવાબ આપવાનું જેવું મ્યુનિસિપલ કમિશનરે શરૂ કર્યું કે વશરામ સાગઠિયાએ વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. તેમણે ૧૧:૧૫ વાગ્યાથી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની વાત કરવાનું શરૂ કર્યું હતું પરંતુ બોર્ડના અધ્યક્ષ એવા મેયર નયનાબેન પેઢડિયા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિયમ પ્રમાણે જ પ્રશ્નોની ચર્ચા થશે તેવું સ્પષ્ટ સુણાવી દીધું હતું. આ પછી વશરામ સાગઠિયાએ
તમારા પાપે ૨૭ લોકો માર્યા ગયા છે’ તેવું કહેતાં જ તમામ કોર્પોરેટરો તેમના પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ થોડી વાર શાંતિ રહ્યા બાદ કમિશનરે ખર્ચ તેમજ ગ્રાન્ટની વિગત આપવાનું શરૂ કર્યું હતું ત્યારે વળી, સાગઠિયાએ ભ્રષ્ટાચારમાં કેટલો ખર્ચ કર્યો તેવો ટોણો મારતાં જ શાબ્દીક સટાસટી શરૂ થઈ ગઈ હતી. આ સટાસટીમાં સ્ટે.ચેરમેન, દંડક સહિતનાએ ભ્રષ્ટાચાર તમારામાં આવે, બોર્ડમાં ગમે તે શબ્દ ન બોલવાનો હોય. કોંગ્રેસના તો હવે ચાર જ સભ્યો વધ્યા છે, રાજકીય સ્ટંટબાજી બંધ કરો, વિકાસકામ માટે કોઈ દિવસ તમારો પ્રશ્ન હોતો જ નથી, તમારા મોઢે વિકાસ શોભતો નથી, તમને નાક છે કે નહીં, નાક નથી એટલા માટે જ તમે સુધરતા નથી તેવા વાક્બાણ છોડ્યા હતા. ત્યારબાદ વશરામ સાગઠિયાએ `તો પછી મારી સળી કરતાં જ નહીં’ તેવું કહેતાં ફરી મામલો ગરમાયો હતો.
થોડી વાર બાદ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈએ ગેઈમ ઝોનને લગત પોસ્ટર બતાવતાં આખરે મેયર દ્વારા માર્શલ મારફતે કોંગ્રેસના કોર્પોરેટરોને સભાગૃહમાંથી બહાર લઈ જવા આદેશ કરાયો હતો. એકંદરે ૧૧:૧૫ વાગ્યાથી શરૂ થયેલો હોબાળો ૧૧:૫૧ વાગ્યા સુધી ચાલ્યો હતો અને આખરે જનરલ બોર્ડની કાર્યવાહી પૂર્ણ થવા પામી હતી.
દરખાસ્ત ભલે મંજૂર થાય પણ સમજાવો તો ખરા: નેહલ શુક્લએ ફરી અરીસો બતાવ્યો !
બોર્ડની પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ બોર્ડના એજન્ડા પર રહેલી દરખાસ્તો હાથ પર લેવામાં આવી હતી જેને એકી અવાજે મંજૂર કરી લેવાઈ હતી. જો કે ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પાછલા બોર્ડની જેમ જ આ વખતે પણ દરખાસ્ત ભલે મંજૂર થાય પણ સમજાવો તો ખરા તેવું કહ્યું હતું. તેમણે ખાસ કરીને એજન્ડામાં રહેલી નાનામવાના કિંમતી પ્લોટના સોદાને રદ્દ કરવા, મનપાની વિવિધ જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત થતા કર્મીઓને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દૂર કરવા તેમજ માર્કેટ શાખામા એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઈન્સ્પેક્ટરની હંગામી ઉપસ્થિત થયેલ ૯ જગ્યાએ કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા અંગેની ત્રણ દરખાસ્ત સમજાવવા માંગણી કરી હતી.
કાયદો નિયમન સમિતિના ચેરમેન તરીકે કંકુબેન ઉધરેજાની નિમણૂક
થોડા સમય પહેલાં વિવાદમાં આવેલા કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન દેવુબેન જાદવ તેમજ શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિના વજીબેન ગોલતર પાસેથી હોદ્દો છીનવી લેવાયા બાદ ભાજપ દ્વારા આ બન્ને ખાલી જગ્યા પર નિમણૂક કરવામાં આવી હતી. કાયદો નિયમન સમિતિના ચેરમેન તરીકે કંકુબેન ઉધરેજા અને શિશુ કલ્યાણ સમિતિના સભ્ય તરીકે દક્ષાબેન વાઘેલાને નિમણૂક અપાઈ હતી. આ બન્ને નામની દરખાસ્તને અલ્પેશ મોરઝરીયા અને ચેતન સુરેજાએ ટેકો આપ્યો હતો.
સાગઠિયાએ મેયરને કહ્યું, એકની એક કેસેટ વગાડો છો: ભાજપે કહ્યું, આ તો મહિલાનું અપમાન !
બોર્ડની કાર્યવાહી દરમિયાન વશરામ સાગઠિયાએ અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર નયનાબેન પેઢડિયાને લઈને એમ કહ્યું હતું કે તમે એકની એક કેસેટ વગાડો છો, તમારી કેસેટ ચોંટી ગઈ છે…આવા વિધાનો સાંભળી ભાજપના મહિલા નગરસેવિકાઓ ઉકળી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે આ તો મહિલાનું અપમાન કરવામાં આવ્યું છે.