રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર : 5 બાળકોના મોત
જેતપુરના પેઢીયા, પડધરીના હડમતિયાના એક -એક બાળક અને મોરબી જિલ્લાના ત્રણ બાળકોને ચાંદીપુરા વાયરસ ભરખી ગયો
રાજકોટ : કોરોના મહામારી બાદ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ઉત્તર ગુજરાતરમાં ચાંદીપુરા વાયરસે તરખાટ મચાવી અનેક બાળકોને કાળનો કોળિયો બનાવ્યા બાદ ચાંદીપુરાવાયરસની સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઇ છે, ખાસ કરીને રાજકોટ અને મોરબી જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં જ ચાંદીપુરા વાયરસની ઝપટે ચડતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા છેલ્લા 9 દિવસમાં 7માસથી લઈ 13 વર્ષના બાળકોના મૃત્યુ થયા છે. બીજીતરફ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુરુવારે બપોરે તમામ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી.સેન્ડ ફલાય એટલે કે રેત માખીથી ફેલાતા આ રોગચાળાને નાથવા હાલમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ઉત્તર ગુજરાતરમાં તરખાટ મચાવનાર ચાંદીપુરા વાયરસે રાજકોટ જિલ્લામાં ગત તા.9 જુલાઈના રોજ એન્ટ્રી કરી હતી અને પ્રથમ કેસ પડધરી તાલુકાના હડમતીયા ગામના બાળકમાં જોવા મળતા રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યો હતો ત્યાર બાદ રાજકોટના જ જેતપુર તાલુકાના પેઢીયા ગામના 8 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તા.15ના રોજ બન્ને બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. એ જ રીતે મોરબી જિલ્લાના લખધીરપુર રોડ, જેતપર મચ્છુ અને ટંકારા તાલુકાના હમીરપર ગામની સીમમાં રહેતા ત્રણ બાળકોને પણ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા ત્રણેય બાળકોના પણ ક્રમશ મૃત્યુ નિપજ્યા હતા.
બીજી તરફ ચાંદીપુરા વાયરસના હાહાકારને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિશેષ 100 બેડની સુવિધા અને 7 આઇસીયુ બેડ ચાંદીપુરા વાયરસના રોગચાળા માટે ઉભા કરવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના આરએમઓ દુસરાએ જણાવી મૃત્યુ પામનાર તમામ બાળકોના સેમ્પલ ચકાસણી માટે પુના લેબોરેટીમાં મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને રાજકોટની ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં તેમજ 14વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.
ચાંદીપુર વાયરસથી શંકાસ્પદ મૃત્યુ પામનાર બાળકો
1. પ્રદીપ ગોવિંદભાઇ રાઠોડ ઉ.2
(હડમતીયા, તા.પડધરી, જી.રાજકોટ)
2. કાળુ ચંપુલાલ ઉ.8
(પેઢલા ગામ, તા.જેતપુર જી.રાજકોટ)
3.રાશિ પ્રદીપ સાહરિયા ઉ.7 મહિના
(મોરબી)
4. સુજાકુમાર બકલાભાઈ ધનક ઉ.13 વર્ષ
( મૂળ મધ્યપ્રદેશ, હાલ, મોરબી)
5.રિતિક રાજારામ મુખીયા ઉ.3વર્ષ
(મોરબી)
ચાંદીપુરા વાયરસના લક્ષણો
સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીથી ફેલાતો ચાંદીપુર વાયરસથી થતો રોગ ખાસ કરીને 14 વર્ષ સુધીના બાળકોમાં વર્ષના બાળકોમાં થવાની સંભાવના વધારે છે. ચાંદીપુર વાયરસના લક્ષણો જોઈએ તો તાવ, ઝાડા, ઉલટી, આંચકી આવવી અને અર્ધ બેભાન કે બેભાન થઇ જવાના લક્ષણો જોવા મળે છે. જો આવા ચિન્હો -લક્ષણો સાથેની બીમારી જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.