રાજકોટ માટે ભારત બેકરીની બ્રેડ બનશે `બેડ’ !
જ્યાંથી પોણા રાજકોટને બ્રેડ-ટોસ્ટ સહિતની સપ્લાય થાય છે તે ભીલવાસમાં આવેલી ભારત બેકરીમાંથી માથું ફાડી નાખે તેવી ગંદકી-વાસી પદાર્થોનો જથ્થો મળ્યોઃ કેક બનાવવામાં સેક્રીનનો ભરપૂર ઉપયોગઃ 140 કિલો વાસી-એક્સપાયર ડેટ વીતાવી ચૂકેલા જથ્થાનો નાશ

રાજકોટમાં તગડો નફો કમાઈ લેવાની લ્હાયમાં વેપારીઓ આડેધડ વાસી-અખાદ્ય પદાર્થો ધાબડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાઓ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક ગંદકીનો `ભંડાર’ મહાપાલિકાએ પકડી પાડ્યો છે જ્યાંથી માથું ફાડી નાખે તેવી ગંદકી તો મળી જ છે સાથે સાથે મોટાપાયે અત્યંત ખરાબ થઈ ગયેલો કેક-બ્રેડ-ટોસ્ટ સહિતનો જથ્થો પણ મળી આવ્યો છે. લગભગ પોણું રાજકોટ જેની બ્રેડ અને ટોસ્ટ ખરીદીને ખાઈ રહ્યું છે તે ભીલવાસમાં આવેલી ભારત બેકરીમાં આરોગ્ય વિભાગે દરોડો પાડીને 140 કિલો જેટલો વાસી કેક, બ્રેડ, ટોસ્ટ સહિતનો જથ્થો પકડીને નાશ કર્યો છે. આ ગોરખધંધો ઘણા લાંબા સમયથી ચાલતો હોવાનું અને અત્યાર સુધીમાં ઠેર-ઠેર વાસી બ્રેડ-ટોસ્ટની સપ્લાય કરવામાં આવ્યાનું ખુલ્યું છે.

મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઑફિસર ડૉ.હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઑફિસર કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા સહિતના સ્યાફે ભારત બેકરીમાં ચેકિંગ કરતાં ત્યાંથી જીવાત, માખી, વંદા ખદબદતા હોય તેવી હાલતમાં બ્રેડ વસ્તુઓ મળી આવી હતી જે જોઈને સ્ટાફ પણ ચોંકી ગયો હતો. આ પછી અહીં ઉત્પાદિત થતી બેકરી પ્રોડક્ટની ચકાસણી કરવામાં આવતાં તેમાં માત્ર `યુઝ બાય ડેટ’ જ દર્શાવેલું હતું. પેઢીમાં સંગ્રહ કરેલ સોસ, પાઉડર, ગ્લેઝીંગ એજન્ટના પેકિંગ એક્સપાયર થઈ ચૂક્યા હતા. જ્યારે પેઢીના કોલ્ડ રૂમમાં વાસી કેકબોઝ, બ્રાઉનની રોલબોઝ સાથે ઈંડાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. કેક બોઈઝ ઉપર છાપેલી પસ્તી વીંટીને ઉત્પાદન કરેલું માલૂમ પડ્યું હતું તેમજ કોલ્ડ રૂમમાં કિસમીસનો જથ્થો વાસી, ખાટો અને ફુગવાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત બ્રેડ, બોડટ, કેક બનાવવા માટે કેમીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેના પેકેટ ઉપર કોઈ જ પ્રકારની માહિતી અપાઈ ન્હોતી. આરોગ્ય શાખાએ સ્થળ પરથી વાસી બ્રેડ, બોડમ રોલ, કિસમીસ, ગ્લેઝીંગ એજન્ટ, કેમીકલ, કેક સહિતનો 140 કિલો જથ્થો પકડી પાડી તેનો નાશ કરી નાખ્યો હતો.

