ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ…ફૂટપાથ-રસ્તો બન્યા મીસ્ટર ઈન્ડિયા’
ગોતી લો…ગોતી લો…ગોતી લો…
મહત્તમ રસ્તા-ફૂટપાથ ઉપર જૂના વાહનોનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો કબજો
સાંજે ખાણીપીણીના ધંધાર્થીઓ ગોઠવાઈ જાય છે
અહીં ખડકાયેલા બાઈક-સ્કૂટરના દબાણો દૂર થાય તો વાસ્તવિક રીતે અહીંની સમસ્યા હળવી બને
ટ્રાફિક પોલીસ-મનપાએ
સંયુક્ત’ ડ્રાઈવ કરી લોકોને પીડામાંથી મુક્તિ અપાવવી જરૂરી

શહેરના રાજમાર્ગો તેમજ જ્યાંથી લોકોની સૌથી વધુ અવર-જવર રહે છે ત્યાંની ફૂટપાથો તેમજ ચાલી શકાય તેવા રસ્તા પર ખડકાઈ ગયેલા દબાણો વિરુદ્ધ વોઈસ ઓફ ડે' દ્વારા ઝુંબેશ ચલાવાઈ રહી છે જેના પડઘારૂપે મનપા-પોલીસ તંત્રએ ચેતનવંતા બનીને કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં બંને તંત્ર સવારથી લઈ સાંજ સુધી ઉભા રહીને ડ્રાઈવ કરે તો પણ તે દબાણમુક્ત થઈ શકે તેમ નથી ! આવું જ કંઈક ભક્તિનગર સર્કલથી લઈ સોરઠિયાવાડી સર્કલ સુધીના રસ્તા પર છે જ્યાં રસ્તો અને ફૂટપાથ શોધવા એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ બની જાય છે ! આમ તો અહીંની ફૂટપાથ તેમજ રસ્તો ઘણાખરા ધંધાર્થીઓએ
દબાવી’ લીધો છે પરંતુ તેમાં સિંહફાળો જો કોઈનો હોય તો તે જૂના ટુ-વ્હીલરનું વેચાણ કરનારા વેપારીઓનો છે.

જૂના વાહનોનું મોટા ભાગનું વેચાણ અહીં જ થતું હોવાથી વેપારીઓ દ્વારા જૂના વાહન ખરીદ કર્યા બાદ તેની ગોઠવણી દુકાન બહાર રહેલી ફૂટપાથ તેમજ રસ્તા પર કરી દેવામાં આવે છે. વેપારીઓ પાસે દુકાન પણ હોય છે પરંતુ તમામ વાહનો અંદર રાખી શકે તેટલી જગ્યા ન હોય બહાર જ વાહનોના થપ્પા લગાવી દે છે જેના કારણે ન તો અહીંથી કોઈ ચાલી શકતું કે ન તો અહીંથી સરળતાથી વાહન પસાર થઈ શકતું ! આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે આમ છતાં મહાપાલિકા કે પોલીસ તંત્ર દ્વારા ક્યારેય સજ્જડ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી તે વાત પણ શંકા જન્માવનારી છે.
અહીંથી નિયમિત રીતે પસાર થનારા લોકો તો સ્પષ્ટપણે કહે છે કે આ પ્રકારે રસ્તા તેમજ ફૂટપાથ ઉપર વાહનોના થપ્પા લગાવવા તંત્રની `મુક મંજૂરી’ વગર શક્ય બને તેમ ન જ હોવાથી અહીંના ધંધાર્થીઓ જવાબદારોના ગજવા ભરતાં હોય તેવી શંકા નકારી શકાતી નથી. જો કે લોકોની શંકાનો એક જ ઉકેલ એ છે કે તંત્રએ અહીં તૂટી પડીને કાં તો જૂના વાહનો કે જે ગેરકાયદેસર રીતે ગોઠવાયેલા છે તેને જપ્ત કરી લેવા જોઈએ અથવા તો પોલીસે તમામ વાહનો ડિટેઈન કરીને ધંધાર્થી પાસેથી દંડની વસૂલાત કરવી જોઈએ તો જ અહીં વર્ષોથી થઈ રહેલા ત્રાસમાંથી લોકોને મુક્તિ આપી શકાશે અન્યથા અત્યારે ૨૫થી ૩૦ વાહનો હોય છે જે આવનારા સમયમાં ૫૦થી ૬૦ને પાર કરી જશે !
હદ તો ત્યાં થઈ જાય છે કે ટુ-વ્હીલર રસ્તા પર ગોઠવાઈ ગયા હોવાને કારણે અહીં આજુબાજુની દુકાનમાં કોઈ વ્યક્તિ ફોર-વ્હીલર લઈને આવે તો તેણે રસ્તા ઉપર જ પોતાનું વાહન પાર્ક કરવું પડે છે જેના કારણે અન્ય વાહનોને પસાર થવા માટે પૂરતો રસ્તો મળતો ન હોવાથી ટ્રાફિકજામ તેમજ અકસ્માત થયે રાખે છે.