પુતિન યુદ્ધ પૂર્ણ કરવા સંમત ન થાય તો રશિયા પર પ્રતિબંધો લાદવાની ચીમકી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પૂર્ણ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
મંગળવારે તેમણે કહ્યું કે પુતીને યુક્રેન સાથે શાંતિ અંગે ડીલ કરી લેવી જોઈએ કારણ કે આ યુદ્ધ દ્વારા પુતીન રશિયાને તબાહ કરી રહ્યા છે. જો યુદ્ધ પૂર્ણ કરવા માટે વાતચીત કરવા પુતિન સંમત ન થાય તો રશિયા ઉપર વધુ પ્રતિબંધો લાદવાની પણ તેમણે ચીમકી આપી હતી.

ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરાવી દેવાની ઘોષણા કરી હતી. એ દરમિયાન રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં પહેલા તેમણે ચીનના પ્રમુખ શી જીનપીંગ સાથે 45 મિનિટ ફોન ઉપર વાત કરી હતી જેમાં પણ રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો ચર્ચાયો હોવાનું માનવામાં આવે છે.બાદમાં મંગળવારે ટ્રમ્પે કહ્યું કે આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત ચાલુ છે. તેમણે યુદ્ધ પૂર્ણ કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ ને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ પણ કર્યો હતો.
બીજી તરફ ટ્રમ્પના પ્રમુખ બનવા સાથે જ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નજરે પડી રહેલા સંભવિત પરિવર્તન વચ્ચે પુતીને ચીનના પ્રમુખ શી જીનપીંગ સાથે ફોન ઉપર વાત કરી હતી. બંને નેતાઓએ ચીન અને રશિયાના પારસ્પરિક સંબંધો આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધારિત ન હોવાનું જણાવી બંને દેશોની મિત્રતા ઘનિષ્ઠ હોવાનું જણાવ્યું હતું.