15મી ઓગષ્ટ સુધીમાં ન્યાયાધીશોની નિમણૂંક ન થાય તો 16મી ઓગષ્ટે કોર્ટને તાળાબંધી કરવાની બાર.એસો. દ્વારા જાહેરાત કરાઈ હતી
રાજકોટ બાર એસોસિએશનની સફળ રજૂઆત રંગ લાવી છે. લાંબા સમયથી ખાલી બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં બે જજોની નિમણુંક કરાઈ છે. જેથી બાર દ્વારા તાળાંબંધીનો કાર્યક્રમ મૌકુફ રખાયો છે.
ઘણા સથમથી રાજકોટમાં બોર્ડ ઓફ નોમિની કોર્ટ બંધ હાલત જેવી પરિસ્થિતિમાં હતી. પક્ષકારો ઘણા સમયથી ન્યાયથી વંચીત હોય જેના કારણે પક્ષકારોને સસ્તો, સરળ, ઝડપી ન્યાયની વાત માત્ર કાગળ પર રહી ગઈ હતી. જેથી બોર્ડ ઓફ નિમિની કોર્ટમાં જજોની નિમણુંક થાય તે માટે યોગ્ય થવા રાજકોટ બાર એસો.ને રજુઆત મળતા બાર દ્વારા તે સબંધે મિટિંગ બોલાવી સરકારની સંબંધિત કચેરીમાં લેખિત ધ્યાન દોરી સત્વરે તા.15-8- 2023 પહેલા જજોની નિમણુંક કરવામાં આવે તથા સસ્તો, સરળ અને ઝડપી ન્યાયનું સુત્ર સાર્થક કરવામાં આવે. તેવી માંગ કરાઈ હતી.
જો તેમ કરવામાં નહીં આવે તો રાજકોટ બાર આગામી તા.16-8-2023થી બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં તાળાંબંધીનો કાર્યક્રમ હાથ ધરશે. તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ બારના સિનિયર અનુભવી વકીલોની પેનલની 2જુઆત સફળ રહેલ અને રાજકોટ બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં બે જજો જેમા જે.એન. દવે તથા બી.કે. ગોસાઈ સહિત સુરત, આણંદ, ભાવનગર, ગોધરા, અમદાવાદ, મહેસાણા, નડીયાદ મુકામે પણ બોર્ડ ઓફ નોમિની કોર્ટની ખાલી જગ્યામાં ન્યાયાધીશોની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ મુકામે ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવતા રાજકોટ બાર એશોસીયેશન તથા તેના સભ્યોમાં ખુશીની લાગણી છવાઈ છે. આ સાથે આગામી તા.19-8-2023 ના રોજનો બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં તાળાંબંધીનો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. તેમ રાજકોટ બાર એસો.ના પ્રમુખ લલિતસિંહ જે. શાહી તથા સેક્રેટરી દિલિપભાઈ જોષીએ જણાવ્યું છે