બેન્કો સોમવારે શરૂ રહેશે, જ્યારે કચેરીઓમાં કામગીરીનો કાલે છેલ્લો દિવસ
સરકારી કચેરીઓમાં પાંચ દિવસના મિનિ વેકેશન બાદ આગામી સપ્તાહમાં પણ રજાનો માહોલ રહેશે
આગામી સપ્તાહમાં તા.૧૬થી સરકારી કચેરી કાર્યરત પરંતુ અરજદારો તા.૨૦ને સોમવારથી જ આવે તેવી શક્યતા
બુધવારે ભાઈબીજના દિવસે બેન્કો શરૂ રહેશે, આગામી સપ્તાહમાં ફક્ત બેસતા વર્ષની એક જ દિવસની બેન્કોમાં રજા
આજે સરકારી કચેરીમાં કામગીરીનો છેલ્લો દિવસ છે ત્યારે મોટાભાગની કચેરીના વિભાગો સુમસામ દેખાતા હતા અને કર્મચારીઓની હાજરી પણ પાંખી જોવા મળતી હતી. રાજ્ય સરકારે શનિવારથી બુધવાર સુધી સળંગ પાંચ દિવસની રજા જાહેર કરી છે. સોમવારે ધોકો હોવાથી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શનિવારે સરકારી કચેરીઓ શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ બેન્કોમાં શનિવારે અને રવિવારની બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. સોમવારે ધોકાના દિવસે બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે.
વાત આટલેથી જ અટકતી નથી પરંતુ સરકારી કચેરીઓમાં પાંચ દિવસની સળંગ રજાની સાપેક્ષમાં બેન્ક કર્મચારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે ફક્ત બેસતા વર્ષની એક જ દિવસની રજા જાહેર કરતા કર્મચારીઓમાં કચવાટ વ્યાપી ગયો છે. બીજી તરફ બેન્કના ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચકક્ષાએ વગ વાપરી રજા પૂર્વેના બે દિવસ એટલે કે ગુરૂવાર અને શુક્રવારની સીએલ મુકી સળંગ ચાર દિવસની રજાનો લાભ લઈ ફરવા ઉપડી ગયા છે. જ્યારે બેન્કના કેશિયર કક્ષાના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. એક તરફ બેન્કોમાં સ્ટાફની ઘટ છે ત્યારે રજાનો લાભ લેવા માટે આગળ-પાછળના દિવસોમાં સીએલ મુકવા માટે કઈ કેટલાય કર્મચારીઓ વચ્ચે અંદરો અંદર રકઝક થયાની વિગતો પણ બહાર આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં તા.૧૧થી ૧૫ સુધી રજા છે. અમુક કર્મચારીઓ આગામી સપ્તાહમાં ગુરૂ, શુક્ર અને શનિ સુધીની રજા મુકી દેતા મોટાભાગની સરકારી કચેરીઓમાં રાબેતા મુજબની કામગીરી ૨૦ નવેમ્બર સોમવારથી શરૂ થવાની શક્યતા રહેલી છે. આગામી સપ્તાહમાં સોમ, મંગળ, બુધની જાહેર રજાના પગલે અરજદારો પણ ગુરૂ, શુક્ર, શનિ સુધી કચેરીમાં દેખાશે નહીં. જ્યારે બેન્કોમાં ભાઈબીજની રજા જાહેર કરવામાં આવી નથી પરિણામે આગામી સપ્તાહમાં બુધવારથી બેન્કો રાબેતા મુજબ ધમધમતી થઈ જશે.