જવાબ આપો: સાધુ વાસવાણી રોડ પર ખડકાયેલા કોમ્પલેક્સને નોટિસ
વોઈસ ઓફ ડે'એ સૌથી પહેલાં પર્દાફાશ કરતાં તંત્રની કાર્યવાહી શરૂ
એક નોટિસનો જવાબ નહીં મળે તો બીજી ફટકારાશે ! કોર્ટ દ્વારા ફાળવાયેલી જગ્યા કરતાં વધુમાં બાંધકામ થયાનો મ્યુ.કમિશનરનો એકરાર
શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવાસ યોજનાના પ્લોટમાં ચતુરાઈપૂર્વક બનાવી નાખવામાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સનો પર્દાફાશ સૌથી પહેલાં વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ મહાપાલિકા દ્વારા કોમ્પલેક્સધારકનો જવાબ માંગતી નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે કોમ્પલેક્સ જ્યાં બનેલું છે તે જગ્યા હાઈકોર્ટના આદેશ બાદ આપવામાં આવી હતી અને જનરલ બોર્ડમાં તેનો ઠરાવ પણ થયો હતો. જો કે ફાળવાયેલી જગ્યા કરતા વધુ જગ્યામાં કોમ્પલેક્સ બનાવી લેવામાં આવ્યું હોવાનું ખુલતાં જ એક નોટિસ ફટકારી દેવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે. ચારેક દિવસ બાદ પ્રથમ નોટિસની સમયમર્યાદા પૂર્ણ થઈ રહી છે. જો ત્યાં સુધીમાં જવાબ નહીં અપાય તો ફરી એક વખત નોટિસ ફટકારાશે અને ત્યારબાદ પણ જવાબ નહીં અપાય તો ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે.
એકંદરે ફાળવાયેલી જગ્યા કરતાં વધુ જગ્યા ઉપર બાંધકામ થયાનો મ્યુનિ.કમિશનરે પણ એકરાર કર્યો હતો પરંતુ નિયમ પ્રમાણે નોટિસ આપીને જવાબ લેવો પડે તેમ હોવાથી તેની રાહ જોવાઈ રહી છે !
અલ્પના મિત્રાના ઘેર ફાઈલ લઈ જનારા નવેય ઈજનેરોના નિવેદન લેવાયા
મહાપાલિકાના નિવૃત્ત એડિશનલ ઈજનેર અલ્પના મિત્રાના ઘેર ફાઈલ પર સાઈન કરાવવા ગયેલા નવ ઈજનેરોના નિવેદન લેવાઈ ચૂક્યા છે. આ નવેય દ્વારા ઓડિટ વિભાગના પરિપત્રના આધારે જ પોતે સાઈન લેવા ઘેર ગયા હોવાનું જણાવ્યું છે. જો કે હવે મિત્રાના ઘરેથી મળેલી ફાઈલોની ચકાસણી કરવામાં આવી રહી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ ગયા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
