સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર ડિવાઇડ કૂદી કાર ફૂટબોલ બની : ત્રણ મિત્રોના મોત
ઉના તરફથી પુરપાટ ઝડપે દોડી આવતી કાર સીમાસી ગામ નજીક પહોંચતા ડિવાઈડર પરથી 12 ફૂટ ઊંચે ઉછળી ટ્રક સાથે ટકરાઈ : સુત્રાપાડા પંથકનાં ચાર મિત્રો કારમાં વેરાવળ તરફ આવી રહ્યાં હતાં ત્યારે ગોઝારો અકસ્માત સજાયો : 1 મિત્રની હાલત ગંભીર
સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર મંગળવાર રાત્રિના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉના તરફથી પુરપાટ ઝડપે દોડી આવતી કાર સીમાસી ગામ નજીક પહોંચતા ડિવાઈડર પરથી 12 ફૂટ ઊંચે ઉછળી સામે આવતા ટ્રક સાથે ટકરાઈ હતી.અને આ અકસ્માતમાં સુત્રાપાડા પંથકનાં ત્રણ મિત્રોના કરૂણ મોત નિપજ્યાં હતા.જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

વિગતો મુજબ સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર સીમાસી ગામ નજીક રાત્રિના 9 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉના તરફથી આવી રહેલી જીજે.32.બી.2808 નંબરની સ્વિફ્ટ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર પરથી લગભગ 12 ફૂટ ઊંચે ઉછળી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારનો અકસ્માત સર્જાયો હતો. અને ઘટના સ્થળે જ સુત્રાપાડાનાં પીયુષ લખમણભાઇ રામ (ઉ.વ.28), ભાલપરા ગામનાં ઉદય દેવાતભાઈ વાઢેર (ઉ.વ.21) અને મેઘપુર ગામનાં જેસાભાઈ ગોવિંદભાઈ રામ (ઉ.વ.35)ના મોત નિપજ્યાં હતા.જયારે અન્ય એક મિત્ર પાદકા ગામનાં હિતેષ આહીર (ઉ.વ.27)ને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને મૃતકના સગા-સબંધીઓ દોડી આવ્યા હતા.અને બાદમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડયા હતા.વધુમાં જાણવા મળ્યું હતું કે,સુત્રાપાડા પંથકનાં ચાર મિત્રો તેમની સ્વિફ્ટ કારમાં વેરાવળ તરફ આવી રહ્યાં હતાં ત્યારે સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર આવેલા સીમાસી ગામ નજીક પહોંચતા જ ચાલકે કાબુ ગુમાવ્યો હતો.અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.અને બાદમાં તર્ક સાથે ટક્કર થઇ હતી.બનાવ મામલે નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથધરી છે.