3જી ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રિ-સ્કૂલ બંધ પાડશે
પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરવાની માંગ સાથે ગાંધીનગરમાં દેખાવ કરાશે
રાજકોટ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ પ્રિ-સ્કૂલો માટે અમલી બનેલા નિયમોમાં વિસંગતતા દૂર કરવા અવાર નવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા આગામી તા.3જી ડિસેમ્બરે ગાંધીનગરમાં દેખાવો કરવાની સાથે રાજ્યભરની પ્રિ-સ્કૂલ એક દિવસ માટે બંધ રાખવાનું જાહેર કરી રાજકોટ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા અધિક નિવાસી જિલ્લા કલેકટર રાજકોટને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, પ્રિ-સ્કૂલ નોંધણી નિયમમાં રહેલ વિસંગતતા દૂર કરવા રાજ્ય સરકારમાં વારંવાર લેખિત રજૂઆતો કરે છે. સાથે સાથે પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી, કેબિનેટ શિક્ષણ મંત્રી, મહિલા અને બાળવિકાસ મંત્રી, તમામ જિલ્લાના કલેકટર, શિક્ષણાધિકારી, તેમજ તમામ મહાનગરોના મ્યુ. કમિશ્નર, રાજ્યકક્ષા અને મુખ્યમંત્રી ભૂ પેન્દ્રભાઈ પટેલને પણ રૂબરૂમાં રજૂઆત કરી પ્રિ-સ્કૂલ રજીસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોમાં છૂટછાટની માંગ કરી હતી.
વધુમાં પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા પ્રિ-સ્કૂલ માટે કોઈપણ રેસીડેન્સીયલ, કોમર્શિયલ, એજ્યુકેશનલ બી.યુ. પરમિશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમિશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે, 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઈઝડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તેમજ ટ્રસ્ટ, નોન પ્રોફિટ કંપની, સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોસીએશન દ્વારા આ ત્રણેય રજુઆત અંગે અનેક રજુઆત કરવા છતાં હજી સુધી કોઈ સ્પષ્ટતા સરકાર તરફથી કરવામાં ન આવતા એસોસિએશન દ્વારા તારીખ 3-12-2024 ના રોજ ગાંધીનગર ખાતે શાંતિપૂર્વક પ્રદર્શન કરવાની સાથે સાથે ગુજરાત રાજ્યની તમામ પ્રિ સ્કૂલને 3જી ડિસેમ્બરેના દિવસે બંધ રાખવાનુ જાહેર કર્યું છે.