જયંતી સરધારા પર હુમલા પછી: સોશ્યલ મીડિયા પર ‘ગદ્દાર’ V/S ‘વફાદાર’ની વોર
પીઆઈ પાદરિયાના સમર્થકોએ કહ્યું, તમે સમાજનું ઘરેણું, અમે તમારી સાથે છીએ
જયંતી સરધારાને ગદ્દાર' ગણાવતી અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ
સરધારાએ નોંધાવેલી ફરિયાદ અને સીસીટીવીમાં દેખાતાં દૃશ્યો વિરોધાભાસ સર્જતાં હોવાથી પોલીસ પણ અવઢવમાં
જયંતી સરધારા કરવા ગયા થૂલી'ને થઈ ગયો કંસાર...જેવો ઘાટ: પીઆઈ સંજય પાદરિયા સસ્પેન્ડ
ખોડલધામના ટ્રસ્ટી અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા ઉપર જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવાની ઘટનામાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. આમ તો પીઆઈ પાદરિયા સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી પરંતુ તેમની તરફેણમાં અનેક સમર્થકો આવી ગયા છે જેના કારણે સોશ્યલ મીડિયા પર અત્યારે
ગદ્દાર’ વિરુદ્ધ વફાદાર'નું યુદ્ધ છેડાઈ જવા પામ્યું છે. પીઆઈ પાદરિયાના સમર્થનમાં પોસ્ટ શેયર કરીને લોકો કહી રહ્યા છે કે તમે સમાજનું ઘરેણું છો, અમે હંમેશા તમારી પડખે છીએ. જ્યારે જયંતી સરધારાને
ગદ્દાર’ ગણાવતી અનેક પોસ્ટ અત્યારે સોશ્યલ મીડિયા પર પ્રસરી રહી હોય આખરે આ મામલામાં સાચું કોણ તેને લઈને હજુ સુધી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શક્યું નથી.
બીજી બાજુ જયંતી સરધારાએ નોંધાવેલી ફરિયાદ અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના દૃશ્યો વિરોધાભાસ સર્જી રહ્યા હોવાને કારણે પણ નવી અટકળોને જન્મ મળવા પામ્યો છે. સરધારાએ ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં તેમની સાથે માથાકૂટ કર્યા બાદ પીઆઈ પાદરિયા બહાર તેમની રાહ જોઈને ઉભા હતા અને આંતરીને ઝઘડો કર્યો હતો. જો કે સીસીટીવી ફૂટેજમાં જયંતી સરધારા પીઆઈની રાહ જોઈને ઉભેલા દેખાય છે. આ ઉપરાંત અન્ય એક ફૂટેજમાં સરધારાએ પીઆઈ પાદરિયાને પાટું માર્યાનું પણ જોવા મળી રહ્યું છે ત્યારે પાદરિયાના સમર્થકો જયંતી સરધારા હળાહળ ખોટા હોવાનો દાવો કરી રહ્યા છે.
સાથે સાથે પાદરિયાના સમર્થકો એવો દાવો પણ કરી રહ્યા છે કે જયંતી સરધારા `કરવા ગયા થૂલી’ને થઈ ગયો કંસાર’ની કહેવત માફક પોતાને પીડિત અને પાદરિયાને વિલન બનાવવા ગયા પરંતુ જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સઘળો વાંક સરધારાનો હોવાનો લાગી રહ્યું છે એટલા માટે પોલીસે પીઆઈ પાદરિયા પર લગાવાયેલી હત્યાના પ્રયાસ સહિતની કલમો પરત ખેંચી લેવી જોઈએ.
બીજી બાજુ ડિસિપ્લીન ફોર્સ હોવાને નાતે પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સસ્પેન્શનનો સમયગાળો તેમણે વડોદરા હેડ ક્વાર્ટર ખાતે ગાળવાનો રહેશે તેવો હુકમ પણ કરવામાં આવ્યો હતો. પીઆઈ પાદરિયા રાજકોટમાં હાજર ન હોવાથી તેમના ઘરે આ હુકમની બજવણી કરવામાં આવી હતી.