રાજકોટ જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક મળી
ઋતુજન્ય રોગચાળો વકરે નહી, રસીકરણની બાકી કામગીરીમાં જરૂર પડ્યે જન પ્રતિનિધિઓને સાથે રાખવા સહિતના મુદ્દે ચર્ચા કરી અપાયા સૂચનો
રાજકોટ જિલ્લા પંચાયતમાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચોમાસાની ઋતુને લઈને રોગચાળો વકરે નહી સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયતમાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર અને કર્મચારીઓ સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અ સાથે જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જેમાં અતિ જોખમી સગર્ભા મહિલાઓની સિવિલમાં ડિલિવરી કરાવવામાં આવે. ઉપરાંત તેઓને સરકારી સહાયનો લાભ પણ મળે. બેઠકમાં સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેનો લાભ ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકોને કઈ રીતે મળી શકે સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે પણ ગામમાં રસીકરણ બાકી રહી ગયું હોય તેવા બાળકોને શોધી તેમજ જે-તે ગામના પ્રતિનિધિઓને સાથે સાથે રાખી રસીકરણ કરવામાં આવે. ચોમાસા દરમિયાન ઋતુજન્ય રોગચાળો વકરે નહી, વાઇરલ ઇન્ફેકશન, રોગચાળો અટકાયતી પગલાં લેવા, જરૂરી દવાઓનો જથ્થો, જરૂરી સાધન સામગ્રી છે કે નહી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંઘ સહિત મેડિકલ ઓફિસરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.