રિલાયન્સ મોલમાં ગ્રુવી મલ્ટી સર્વિસમાંથી વાસી બ્રેડ-બન-પાંઉનો જથ્થો પકડાયો
હાર્ટએટેક માટે ભેળસેળયુક્ત ખોરાક જવાબદાર છતાં નફાખોરો સુધરતાં નથી !
અમીન માર્ગ પર ફૂડ પોસ્ટ'માંથી બટેટા-ઢોસાનો વાસી મસાલો સહિત ૩૩ કિલો અખાદ્ય સામગ્રી મળી: મોરબી રોડ પર જે.જે.સ્વીટસમાંથી મીઠો માવો, પ્રભાત ડેરીમાંથી ચીઝ સહિતના નમૂના લેતી મહાપાલિકા
રાજકોટ રાજકોટ સહિત રાજ્યમાં હાર્ટએટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પાછળ નિષ્ણાત તબીબો દ્વારા ઘણેખરે અંશે ભેળસેળયુક્ત ખોરાકને પણ જવાબદાર ગણાવ્યો છે આમ છતાં અમુક નફાખોર વેપારીઓ દ્વારા સુધરવાનું થતું જ ન હોય તેવી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા દર સપ્તાહે કોઈને કોઈ વિસ્તારમાં દરોડા પાડીને ભેળસેળયુક્ત પદાર્થનો નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આ વખતે ૧૫૦ ફૂટ રિંગરોડ પર રિલાયન્સ મોલમાં બીજા માળે આવેલા
ગ્રુવી મલ્ટી સર્વિસ પ્રા.લિ.’ને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં ત્યાંથી ૨૦ કિલો વાસી બ્રેડ, પાંઉ, પીત્ઝા બેઈઝ, બન મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો સાથે સાથે વેપારીને ચોખ્ખાઈ રાખવા અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારાઈ હતી.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રિંગરોડ પર અમીન માર્ગના કૉર્નર પાસે મહાપાલિકાના ગ્રાઉન્ડમાં આવેલા ફૂડ પોસ્ટમાં ચેકિંગ કરવામાં આવતાં ત્યાંથી ૧૫ કિલો ઘઉંનો લોટ, ચાર કિલો બટેટા, ત્રણ કિલો બટેટાનો મસાલો, ૪ કિલો ઢોસાનો મસાલો, ચાર કિલો બ્રેડ, ત્રણ કિલો ચટણી મળી ૩૩ કિલો વાસી-સડેલા-એક્સપાયર થઈ ગયેલી અખાદ્ય વસ્તુને કચરામાં ફેંકી દેવાઈ હતી. ફૂડ શાખાએ પેડક રોડ વિસ્તારમાં ખાદ્યવસ્તુઓનું વેચાણ કરતાં ૨૨ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાંથી નવ પાસે લાયસન્સ ન હોવાનું ખુલતાં નોટિસ અપાઈ હતી. જ્યારે મોરબી રોડ પર સીતારામ સોસાયટીમાં આવેલી જે.જે.સ્વીટસ એન્ડ ડેરી ફાર્મમાંથી મીઠો માવો (લૂઝ), ફૂડ પોસ્ટમાંથી ખજૂર-આંબલીની ચટણી અનને ૧૫૦ ફૂટ રોડ પર કેકેવી હોલ પાસે પ્રભાત ડેરી મોઝેરિલ્લામાંથી ચીઝનો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
બાલાજી વેફર્સના `ફ્યુબિ નમકીન’નો નમૂનો લેવાયો
મહાપાલિકાની ફૂડ શાખાએ માધાપર સર્વે નં.૨૫માં આવેલી બાલાજી સેલ્સ એજન્સીમાંથી બાલાજી વેફર્સના ફ્યુબિ નમકીનનો નમૂનો લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યો છે. જો કે આ નમૂનાનું પરિક્ષણ આવશે ત્યાં સુધીમાં ઢગલા મોઢે આ નમકીનનું વેચાણ થઈ ગયું હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.