ભાવનગર-અમરેલી જવા માટે નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડ ખુલ્લુ મુકાશે
દરરજો 175 બસની ટ્રીપ અવર-જવર કરશે, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકર્પણ
ભાવનગર રોડ ઉપર તૈયાર કરવામાં આવેલા સેટેલાઈટ બસ સ્ટેન્ડને આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ખુલ્લુ મૂકશે. ઉપરોક્ત બસ સ્ટેન્ડ શરૂ થતાં ભાવનગર તરફ જવા માંગતા લોકોનો રાજકોટ એસટી પોર્ટ ઉપર ટ્રાફિક ઘટશે. આજે બપોરના 3:45 વાગ્યે સેટેલાઈટ બસ સ્ટેન્ડનું લોકર્પણ થયા બાદ મુસાફરોની અવર-જવર શરૂ કરી દેવામાં આવશે.
ઉપરોક્ત સેટેલાઈટ બસ સ્ટેન્ડ આજીડેમ પૂર્વે આવેલા અમૂલ ચોકડી પાસે તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં ભાવનગર, અમરેલી, બોટાદ, જસદણ જવા માટેની દરરોજ 175 જેટલી બસની ટ્રીપ દૈનિક અવર-જવર કરશે. ભાવનગર જવા માટેના નવા અધ્યતન બસ સ્ટેન્ડ ઉપર ત્રણ કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત રહેશે. જ્યારે રાજકોટના એસટી બસ પોર્ટ ઉપર પણ ભાવનગર જવા માટે મુસાફરોને સુવિધા મળશે. ઉપરોક્ત લોકર્પણ કાર્યક્રમમાં ભાનુબેન બાબરિયા, મેયર ડો. પ્રદીપ ડવ, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદર, સાંસદ સભ્ય મોકરિયા, કુંડારિયા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.