રાજકોટમાં આકાર લઈ રહ્યો છે TRP ગેઈમ ઝોન કરતાં પણ મોટો ગેઈમ ઝોન !!
કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટીની સામે થઈ રહ્યું છે બાંધકામ
અહીં પણ લોખંડ-પતરાના ડોમમાં જ રમત રમાડવાનું પ્લાનિંગ
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર બાદ હવે રાજકોટમાં ગેઈમ ઝોન શરૂ થઈ રહ્યો છે
એક તરફ રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં બનેલી દૂર્ઘટનાને પગલે પગલે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આ પ્રકારના ગેઈમ ઝોન ઉપરના નિયમો કડક કરવામાં આવ્યા છે અને કેટલાકને તો કામચલાઉ ધોરણેબંધ પણ કરી દેવામાં આવ્યા છે. જો કે રાજકોટમાં ટૂંક સમયમાં એક નવો અને ટીઆરપી કરતાં પણ મોટો ગેઈમ ઝોન શરૂ થઈ રહ્યો હોવાની વિગતો સાંપડી રહી છે. કાલાવડ રોડ ઉપર સરિતા વિહાર સોસાયટીની સામે જ આવેલા ખુલ્લા પ્લોટમાં આ ગેઈમ ઝોનનું બાંધકામ પૂરજોશમાં ચાલું છે અને પતરાનું સ્ટ્રક્ચર પણ જોવા મળી રહ્યું છે.
અહીંથી નિયમિત રીતે પસાર થનારા લોકોએ વોઈસ ઓફ ડે'ને જણાવ્યું કે સરિતા વિહાર સોસાયટીની સામે
ફન બ્લાસ્ટ’ નામની ફ્રેન્ચાઈઝી દ્વારા અમદાવાદ, વડોદરા, ગાંધીનગર બાદ હવે રાજકોટમાં પણ ગેઈમ ઝોન શરૂ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં પણ લોખંડ અને પતરાના ડોમમાં જ બાંધકામ કરાઈ રહ્યું છે ત્યારે તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે તો બાંધકામ કરનારા જાણતાં હશે પરંતુ જાણકારો સ્પષ્ટ કહી રહ્યા છે કે ટીઆરપી ગેઈમ ઝોનનું બાંધકામ પણ પતરા-લોખંડના ડોમમાં હોવાથી તેને ગેરકાયદેસર ગણવામાં આવ્યું હતું.
સૌથી મહત્ત્વનો સવાલ એ પણ છે કે આ ગેઈમ દ્વારા ફાયર એનઓસી સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ બાંધકામ શરૂ કર્યું હશે કે કેમ તે પણ જાણવું જરૂરી બની જાય છે. અહીં જે રમતો રમાડવામાં આવનાર છે તે ટીઆરપી ગેઈમ ઝોન કરતાં પણ વધુ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ત્યારે હવે મહાપાલિકા તંત્રએ આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી કાયદેસરનું બાંધકામ ન હોય તો તેને અટકાવવું જરૂરી બની જાય છે.
ટે્રમ્પોલિન પાર્ક સહિતની અનેક રમતો રમાડાશે
રાજકોટમાં ફન બ્લાસ્ટ નામે એક ગેઈમ ઝોન હતો જ ત્યારે વધુ એકનું બાંધકામ ચાલી રહ્યું છે તેનું નામ પણ ફન બ્લાસ્ટ જ રખાયું છે. આ ફન બ્લાસ્ટમાં ટે્રમ્પોલિન પાર્ક ઉપરાંત બોલિંગ કોર્ટ, બાળકો માટેની વિવિધ રમત તેમજ સ્નો પાર્ક કે જે રાજકોટમાં પહેલી વખત બનાવાઈ રહ્યો છે તે સહિતની સુવિધા ઉભી કરાઈ રહી છે. આ ઉપરાંત કેફે અને રેસ્ટોરન્ટ પણ બનશે ત્યારે આ બધું જો કાયદેસરનું હોય તો કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ અહીંથી પસાર થનારા લોકોને પતરાના ડોમ સૌથી વધુ ખૂંચી રહ્યા હોય તેની ઝડપી તપાસ થવી જરૂરી બની જાય છે.
અહીં પણ એન્ટ્રી-એક્ઝિટ એક જ !
લોકો તો એવું પણ કહી રહ્યા છે કે નવા બની રહેલા ફન બ્લાસ્ટમાં પણ એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ ગેઈટ છે. ટીઆરપી ગેઈમ ઝોનની દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો તેના પાછળ પણ એક જ એન્ટ્રી-એક્ઝિટ ગેઈટ જવાબદાર હોય તંત્રએ આ દિશામાં પણ ધ્યાન આપવું જોઈએ.
અમદાવાદનો ગેઈમ ઝોન પણ શરૂ થાય તે પહેલાં જ આગને કારણે ઠપ્પ થયો’તો
એવી વિગતો પણ સામે આવી છે કે અમદાવાદમાં પણ ફન બ્લાસ્ટ ચેઈનનો એક ગેઈમ ઝોન બનાવવામાં આવ્યો હતો જ્યાં જાન્યુઆરી-૨૦૨૩માં વેલ્ડીંગને કારણે આગ લાગતાં શરૂ થાય તે પહેલાં જ ૮૦% સ્ટ્રક્ચર બળીને ખાક થઈ ગયું હતું. સદ્નસીબે તે ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન્હોતી પરંતુ તમામ સામાન સળગી ગયો હતો. આ ગેઈમ ઝોન એસ.જી.હાઈ-વે ઉપર આવેલો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાલુકા પોલીસ મથકની હદમાં ત્રીજો ગેઈમ ઝોન થઈ રહ્યો છે તૈયાર
ટીઆરપી ગેઈમ ઝોન કે જે તાલુકા પોલીસ મથકની હદમાં આવેલો છે ત્યાં હવે ફન બ્લાસ્ટના નામે ત્રીજો ગેઈમ ઝોન તૈયાર થઈ રહ્યો છે. અહીં અગાઉ ઈન્ફીનિટી અને નોકઆઉટ ગેઈમ ઝોન છે જેની સામે ગુના નોંધાયેલા છે ત્યારે આ ગેઈમ ઝોન પાસે તમામ પ્રકારની પરમીશન છે કે નહીં તેની પોલીસે પણ તપાસ કરવી જરૂરી છે.