રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવા બારી પાસે દર્દી પર પંખો પડ્યો
- ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો : હોસ્પિટલમાં મોતના માચડાની જેમ લટકતા અનેક પંખાને રિપેરિંગની જરૂર
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સંપડાયેલી રહે છે.અને સ્ટાફની બેદરકારીને કારણે છેલ્લે ભોગવવાનું તો દર્દી અને તેના સગાઓને જ આવે છે. ત્યારે ફરી એવો જ એક બનાવ બન્યો છે. જેમાં દવા બારી પાસે રામજૂગથી લગાવવામાં આવેલો એક પંખો દર્દી પર પડતાં તેને ઇજા પહોંચી હતી. અને તાત્કાલિક તેને સારવાર આપવામાં આવી હતી.
માહિતી મુજબ સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવેલી દવા બારીમાં ગઇકાલે બોપરના સમયે લાઇનમાં રહેલા એક દર્દી પર પંખો પડતાં તેને ગાલ પર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પંખો પડ્યાની જાણ થતાં આર.એમ.ઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા,અને પંખાને સાઈડમાં મૂકીને ચાલ્યા ગયા હતા. હવે હોસ્પિટલમાં આ પ્રકારથી મોતના માચડાની જેમ લટકતા અનેક પ્રકારના પંખા આવેલા છે. તો આ પ્રકારના પંખાને ચેક કરી રિપેરિંગ કરવાના બદલે જેમને તેમ મૂકી દેવામાં આવ્યા હતા.