ભારે વરસાદથી રાજકોટ જિલ્લામાં 51 પશુઓના મૃત્યુ
પડધરી તાલુકામાં 40, ઉપલટા-ગોંડલમાં એક -એક પશુઓ પુરમાં તણાયા
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે માનવમૃત્યુની સાથે પશુધનનો પણ સોથ વળ્યો છે, પાંચ દિવસ સુધી સતત વરસેલા વરસાદને કારણે પડધરી તાલુકામાં સૌથી વધુ 40 પશુઓના મૃત્યુ થયાનું સામે આવ્યું છે ઉપરાંત ઉપલટા-ગોંડલમાં એક -એક અને જામ કંડોરણામાં 9 પશુઓના મૃત્યુ થયાનું સરકારી ચોપડે નોંધાયું છે.
રાજકોટ જિલ્લામાં રાંધણ છઠ્ઠની રાત્રિથી શરૂ થયેલ મેઘસવારીએ પાંચ દિવસ દરમિયાન 32 ઈંચથી વધુ વરસાદ વરસાવતા ઠેર-ઠેર પૂરની સ્થિતિ વચ્ચે જિલ્લામાં કુલ 51 પશુઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે જેમાં પડધરીમાં 40, ઉપલેટા અને ગોંડલ તાલુકામાં એક-એક તેમજ જામ કંડોરણામાં નવ પશુઓના મૃત્યુ નિપજતા પશુ મૃત્યુ સહાય ચૂકવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.