રાજકોટમાં દરરોજ પકડાઈ રહેલા ૩૪ ઢોર: હજુ રખડતાં કેટલા હશે ?
નવ દિ’માં ઢોરપકડ પાર્ટીએ અલગ-અલગ વિસ્તારોમાંથી ૩૦૪ ઢોરને પકડીને ડબ્બે પૂર્યા
રાજકોટમાં તંત્ર દ્વારા ગમે એટલા પ્રયાસો કરવામાં આવે પરંતુ ઢોરમુક્ત શહેરનું સ્વપ્ન લગભગ ક્યારેય સાકાર થઈ શકે તેમ ન હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં ઢોર પકડાઈ રહ્યા છે. એકંદરે પાછલા નવ દિવસ દરમિયાન શહેરમાંથી દરરોજ ૩૪ ઢોર પકડવામાં આવ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પકડાઈ આટલા રહ્યા છે તો હજુ રખડતાં કેટલા હશે ?
મહાપાલિકાની ઢોરપકડ શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યા પ્રમાણે તા.૨૦થી ૨૯ સપ્ટેમ્બર સુધીના નવ દિવસમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ૩૦૪ જેટલા ઢોર પકડીને તેને ઢોરડબ્બે પૂરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં માટેલ ચોક, સોલવન્ટ ક્વાર્ટર, કોઠારિયા રોડ, આજી ડેમ, રણુજા મંદિર, ગોંડલ ચોકડી પૂલ નીચે, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ સહિતનો સમાવેશ થાય છે જ્યારે સૌથી વધુ ૪૧ ઢોર રૈયાગામ, યોગરાજનગર, સિદ્ધિ એપાર્ટમેન્ટ, બંસીધર સોસાયટી, ઈન્દીરા સર્કલ, બ્રહ્મનાથ સોસાયટી, મનહરપુર ગામ, ઘંટેશ્વર, વર્ધમાનનગર, પચ્ચીસ વારિયા, શાસ્ત્રીનગર, ધરમનગર ક્વાર્ટર, ગોપાલ ચોક, મનપા ક્વાર્ટર, માધવ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાંથી પકડાયા છે. એકંદરે નવ દિવસમાં આખા રાજકોટમાંથી ૩૦૪ જેટલા ઢોર પકડવામાં આવ્યા છે.
ઢોર દ્વારા લોકોને હડફેટે લઈને ગંભીર ઈજાઓ કરવા તેમજ ઘણાખરા કિસ્સાઓમાં મૃત્યુ થવા પાછળના બનાવો વધતાં તંત્રને હાઈકોર્ટ દ્વારા ઝાટકવામાં આવ્યું હતું જે ઝાટકણી બાદ રાજ્યની દરેક મહાપાલિકા-નગરપાલિકા દોડતી થઈ છે અને મોટાપાયે ઢોર પકડવાનું શરૂ કર્યું છે ત્યારે નિયમિત રીતે ઢોર પકડવામાં આવે તો જ ત્રાસમાંથી છૂટકારો થઈ શકે તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.