ખાલી પડેલી ૧૮૭૪માંથી ૩૩ જગ્યા ભરશે મનપા
મેનેજર, નાયબ પર્યાવરણ ઈજનેર, સીસ્ટમ એનાલિસ્ટ, વૉર્ડ ઑફિસર સહિતનાની ભરતી કરાશે: માત્ર મનપાનો સ્ટાફ જ અરજી કરી શકશે
મહાપાલિકામાં વર્ષોથી વર્ગ-૧થી લઈ વર્ગ-૪ સુધીની ૧૮૭૪ જેટલી જગ્યા ખાલી પડેલી છે તેમાંથી ૩૩ જગ્યા ભરવાનો નિર્ણય મ્યુનિ.કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. ખાલી પડેલી જગ્યાઓમાં મેનેજર, નાયબ પર્યાવરણ ઈજનેર, સીસ્ટમ એનાલિસ્ટ, વૉર્ડ ઑફિસર સહિતની જગ્યાનો સમાવેશ થાય છે જેના માટે ૩૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકાશે. જો કે આ જગ્યાઓ માટે માત્રને માત્ર મહાપાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓ જ અરજી કરી શકશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે જનરલ બોર્ડમાં કરાયેલા ઠરાવ પ્રમાણે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે. આ પછી મેનેજર, નાયબ પર્યાવરણ ઈજનેર, સીસ્ટમ એનાલિસ્ટ, વૉર્ડ ઑફિસર, ઑફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ, ટેક્નીકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી), ચીફ સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર (મહિલા-પુરુષ) અને હેડ એનિમલ કીપરની ૩૩ જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ખાલી પડેલી સૌથી વધુ ૧૧ જગ્યા ઑફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની ભરવામાં આવશે. આ પૈકીની ૧૭ જગ્યાઓ એવી છે જે બિનઅનામત છે મતલબ કે ત્યાં ઓપન કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે.