કલેકટરનો ઐતિહાસિક ચુકાદો TRP ગેમઝોનમાં શરતભંગ સબબ 26.21 લાખનો દંડ
હેતુફેર ન કરાવે તો બીજી વખત શરતભંગ થયેલ ગોઝારી જમીનમાં ઉભેલા પાર્ટી પ્લોટના બાંધકામને પણ દૂર કરવા આદેશ
રાજકોટ : રાજકોટમાં જે ગોઝારા સ્થળે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો હતો તે નાનમવા સર્વે નંબર 49ની રહેણાંક હેતુની જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ મામલે અગ્નિકાંડ બાદ જિલ્લા કલેકટરે શરતભંગ કેસ દાખલ કર્યા બાદ આ કેસ ચાલી જતા ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઐતિહાસિક ચુકાદો આપી જમીનના માલિકોને 26,21,760 નો દંડ ફ્ટકારવાની સાથે જો બિનઅધિકૃત બાંધકામ ત્રણ મહિનામાં હેતુફેર ન કરાવે તો પાર્ટી પ્લોટની જગ્યાનું બાંધકામ હટાવવા આદેશ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તા.25 મેના ગોઝારા દિવસે રાજકોટના કાલાવડ રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ નાનામવા સર્વે નંબર નંબર 49 ની ટીપી નંબર 20 ની જમીન ઉપર ઉભા કરાયેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લગતા આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ ચકચારી કેસમાં ગેમઝોનના સંચાલકોએ રહેણાંક હેતુની જમીન ઉપર મોતના કોમર્શિયલ માંચડા ઉભા કર્યા હોવાથી રાજકોટ જિલ્લા કલેકટરે જમીનના માલિક અને ગેમઝોનના ભાગીદાર એવા અશોકસિંહ જગદીસિંહ જાડેજા, કિરીટ જગદીશસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જગદીશસિંહ જાડેજા વિરુદ્ધ શરતભંગ હેઠળ કાર્યવાહી કરી હતી .
પશ્ચિમ મામલતદાર રાજકોટ દ્વારા સમગ્ર મામલે નાનામવા સર્વે નંબર નંબર 49 ની ટીપી નંબર 20 ની જમીન ઉપર ઉભા કરાયેલ ટીઆરપી ગેમઝોનના માંચડા અંગે 14882 ચોરસમીટર જમીન રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ હોવા છતાં કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોવાનું તેમજ અગાઉ 2016માં પણ શરતભંગ મામલે પગલાં લઈ રિવાઇઝડ પ્લાન મંજુર કરવામાં આવ્યો હતો જે બાદ છેલ્લા છ વર્ષથી રહેણાંક હેતુની જમીનમાં પાર્ટી પ્લોટ અને ગેમઝોનના માંચડા ઉભા થતા 27 નિર્દોષ લોકોના મૃત્યુની ઘટના અંગે ઐતિહાસિક નિર્ણય લઈ 26,21,760નો દંડ ફટકારતો હુકમ કરી હાલમાં હયાત ઉભેલા પાર્ટી પ્લોટના બાંધકામ મામલે પણ જો ત્રણ મહિનામાં હેતુફેરની પરવાનગી નહીં લેવામાં આવે તો મહાનગર પાલિકાને આ બાંધકામ તોડી પાડવા હુકમ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોન શરતભંગ કેસમાં જમીન માલિકોએ તેમના એડવોકેટ મારફતે લાંબી મુદત માંગી હતી પરંતુ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ એક અઠવાડિયાની મુદત આપી બાદમાં સુનાવણી હાથ ધરી હતી જેમાં જમીન માલિકના વકીલ આર.ટી.રાણાના જુનિયર ચેતનાબા જાડેજા દ્વારા કોરોના કાળમાં અમારો ધંધો બંધ બંધ હોવા સહિતના કારણો રજૂ કરી જમીનમાં ભાયુભાગ પડી ગયા હોવાનું જણાવ્યું હતું. જો કે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ ગંભીર શરતભંગ કેસમાં ઐતિહાસિક નિર્ણય લઈ જમીન માલિકોને કુલ 26,21,760નો દંડ ફટકારતો હુકમ કરી શરતભંગ કરનાર તત્વોને મોટા સંકેત આપ્યા છે.
આજે આરઓ મિટિંગમાં શરતભંગ અને દબાણ મુખ્ય મુદ્દો
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં શરતભંગ સબબ આકરો દંડ ફટકારનાર જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આજે શુક્રવારે મળનાર રેવન્યુ ઓફિસરોની બેઠકમાં પણ તમામ અધિકારીઓને શરતભંગ અને દબાણ કેસની કાર્યવાહી અંગે તેમના કાર્યક્ષેત્રમાં શું પગલાં લેવામાં આવ્યા તેની સમીક્ષા કરી રેવન્યુ કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવશે.