બગીચો બનાવાનો હતો તે ૧૪.૧૩ કરોડની જમીન પર બબ્બે રૂમ તૈયાર થતા’તા !
વાવડીમાં અલય ગાર્ડન સોસાયટીમાં રૂમના ચણતર વખતે જ મનપાનું બૂલડોઝર ત્રાટક્યું, ભરતવન સોસાયટી સામે ત્રિશા બંગલો-૨નું માર્જીનમાં ખડકાયેલું બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવાઈ
તહેવારોની સીઝન વચ્ચે જ મહાપાલિકાએ પોતાના બૂલડોઝરને સજ્જ કરી દીધા છે અને દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં કાફલા સાથે ત્રાટકીને ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોનો કચ્ચરઘાણ વાળવામાં આવી રહ્યો છે. આવું જ એક ડિમોલિશન અલય ગાર્ડન સોસાયટી-વાવડી, ટીપી સ્કીમ નં.૨૫-વાવડી (ડ્રાફ્ટ), અંતિમ ખંડ નં.૧૭/એ કે જ્યાં બગીચો બનાવવાનો હતો તે ૩૨૮૮ ચોરસમીટર જમીન પર બે રૂમનું ચણતર કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ટીપી શાખાએ દોડી જઈ દબાણ દૂર કરી ૧૪.૧૩ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
આવી જ રીતે વૉર્ડ નં.૮માં ભરતવન સોસાયટી સામે, બારદાનવાલા સ્કૂલ પાછળ ત્રિશા બંગલો-૨ દ્વારા ૪૦ ચોરસમીટર જગ્યા કે જે માર્જીનની હોય છે ત્યાં વધારાનું બાંધકામ કરી લેવામાં આવતાં તેને તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે દિવાળી પહેલાં મહાપાલિકાની જે જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરી લેવામાં આવ્યા છે તેને અને વોંકળા ઉપર ખડકાઈ ગયેલા દબાણોને તોડી પાડવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોય ટીપીઓ એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાનો સ્ટાફ દબાણકારો ઉપર ધોંસ બોલાવી રહ્યો છે.