“મારો કાંઈ વાંક ગુનો નથી, હું નિર્દોષ છું, મને તો ફસાવાયો છે”
કોલકત્તાનો કાતિલ અદાલતમાં ભાંગી પડ્યો
ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સહિત ચાર તબીબોના પોલીગ્રાફ ટેસ્ટ કરવાની અદાલતે આપી મંજૂરી
કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યા કેસનો મુખ્ય આરોપી સંજય રોય અદાલતમાં સુનાવણી દરમિયાન ભાંગી પડયો હતો અને પોતે નિર્દોષ હોવાનો બચાવ કર્યો હતો.
સીબીઆઇએ આરોપીને અદાલતમાં રજૂ કરી અને પોલીગ્રામ ટેસ્ટની મંજૂરી માંગી હતી. અદાલતે આરોપીને પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમત થવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મેં કોઈ ગુનો કર્યો નથી. હું નિર્દોષ છું. મને ફસાવવામાં આવ્યો છે અને આ ટેસ્ટ થી કદાચ એ સાબિત પણ થઈ જશે. બાદમાં અદાલતે તેના પર પોલીગ્રાફ કેસ કરવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે એ ટેસ્ટ કરવા માટે આરોપીની સંમતિ અને અદાલતની મંજૂરી જરૂરી હોય છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરોપી સંજય રોયનો સાઇકોએનાલિટિક ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેના તારણરૂપે સીબીઆઇએ આરોપી પ્રાણી જેવી મનોવૃત્તિ ધરાવતો હોવાનું અને ગુનો કર્યાનો કોઈ પસ્તાવો ન હોવાનું જાહેર કર્યું હતું.
સીબીઆઇ આ કેસમાં અત્યાર સુધીમાં વિધિવત રીતે માત્ર એ એક આરોપીની જ ધરપકડ કરી છે.
બીજી તરફ સીબીઆઇએ આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય લોકોની પૂછપરછ જારી રાખી હતી. કોલકત્તાની વિશેષ અદાલતે સંદીપ ઘોષ, અન્ય એક નાગરિક સ્વયંસેવક તેમજ અન્ય ચાર તબીબોના પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. એ ચાર કબીબોએ બનાવની રાત્રે મહિલા તબીબ સાથે ડિનર લીધું હોવાનું માનવામાં આવે છે. આ ટેસ્ટ કરવા માટે દિલ્હી સીએફએસએલ ટીમના નિષ્ણાતો કોલકત્તા પહોંચ્યા હતા.