10 મહિના બાદ લાડાણી- ઓરબીટ ગ્રુપ પરના દરોડાનું ભૂત ઘૂણ્યું: 150થી વધુને નોટિસ
બંને ગ્રુપનો રિપોર્ટ સેન્ટ્રલ સર્કલ સુધી પહોંચતા જ તપાસનો ધમધમાટ, અગાઉ 500 લોકોને નોટીસ ફટકાર્યા બાદ હવે “કાળાનાણાં”નો મોટો વહીવટ કરનાર પર નજર
સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી દેનાર રાજકોટના ટોચના રિયલ એસ્ટેટ લાડાણી અને ઓરબીટ ગ્રુપ પર ગત ફેબ્રુઆરી મહિનામાં આવકવેરા વિભાગએ ઓપરેશન હાથ ધર્યું હતું અને કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી હતી, આ બંને ગ્રુપનો 1500 પાનાનો રિપોર્ટ પણ સેન્ટલ સર્કલ સુધી પહોંચી ગયા બાદ હવે તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે અને આ ગ્રુપ સાથે સંકળાયેલા અને મોટા વ્યવહારો કરનાર 150 થી વધુ લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે.
રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગના તત્કાલીન કમિશનર દ્રોપસિંગ મીનાના નેતૃત્વ હેઠળ રાજકોટના ટોચના ગણાતા લાડાણી અને ઓરબીટ ગ્રુપ સહિત ૪૦થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમયે લાડાણી ગ્રુપને ત્યાંથી ઢગલા બંધ વ્યવહારો અને યુનિવર્સિટી રોડ પર ભાડે રાખેલી એક આખી રૂમમાંથી કરચોરીના વ્યાપક પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા સહિત કબ્જે કરવામાં આવ્યું હતું. આ બંને ગ્રુપને ત્યાંથી બારસો કરોડથી વધુ ની કરચોરી ઝડપાઇ હોવાનું અને આ કાળા નાળામાં રોકાણ કરનારાઓનું લાંબુ લિસ્ટ મળી આવ્યું હતું.
આ અંગે આવકવેરા વિભાગના સૂત્રો એ જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં કામ કરનાર તમામ અધિકારીઓની બદલી થવાની હોવાથી છ મહિનામાં જ આ બંને ગ્રુપનો એપ્રેઝલ રિપોર્ટ તૈયાર કરીને સેન્ટ્રલ સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. જેના આધારે સેન્ટ્રલના અધિકારીઓએ છેલ્લા પાંચ વર્ષના કાળા નાણાનો હિસાબ શરૂ કર્યો છે. પ્રથમ તબક્કામાં આ લિસ્ટમાં આ બિલ્ડરો સાથે બ્લેકમાં વ્યવહાર કરનાર 150 થી વધુ લોકોને આવકવેરા વિભાગનું તેડું આવ્યું છે. આ અંગે ટેક્સ તજજ્ઞોએ જણાવ્યું હતું કે, અમારી પાસે પણ અમારા ક્લાઈન્ટ ની નોટિસ આવી છે જેમાં લાડાણી અને ઓરબીટ ગ્રુપ સાથે એક કરતાં પણ વધુ પ્રોજેક્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તેમને કલમ 148 એકટ હેઠળ કેસ રી ઓપનની નોટિસ આપવામાં આવી છે. દસ મહિનાના અંતે ફરી ટોચના આ બંને ગ્રુપ સાથે વહેવારો કરનારા પર તવાઈ ઉતરતા ખળભળાટ મચી ગયો છે.
કાળાનાણાં ભરેલી ઝૂંપડપટ્ટી મળી આવી હતી
ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા દરોડાની કરચોરી છુપાવવાની સ્ટાઇલ પણ ફિલ્મી સ્ટોરી ને ટક્કર મારે એવી હતી, ઇન્કમટેક્સની ટીમએ પોલીસની મદદથી 450 થી પણ વધારે સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરીને યુનિવર્સિટી રોડ પર લાડાણી ગ્રુપની ભાડે રાખેલી રૂમ શોધી કાઢી હતી. રૂપિયા 4000 માં યુનિવર્સિટી રોડ પર એક ઝૂંપડપટ્ટીમાં બેનામી વ્યવહારો દસ્તાવેજો છુપાવ્યા હતા. તેને શોધી કાઢવામાં ઇન્કમટેક્સની ટીમને પણ ફિલ્મ સ્ટોરી જેવો સ્લોટ બનાવવો પડ્યો હતો.
અગાઉ પણ 500 જેટલા ગ્રાહકોને નોટિસ મળી હતી
આ બંને બિલ્ડરોના અલગ અલગ પ્રોજેક્ટોમાં રોકાણ કરનાર 500 જેટલા ગ્રાહકોને પણ નોટિસ અગાઉ ફટકારવામાં આવી હતી. જેમાં દાદા ને ગ્રુપના રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોય એવા લોકોને નોટિસ આપવામાં આવી હતી જ્યારે અત્યારે જે 150 જેટલી નોટિસ ફટકારવામાં આવી છે તેમાં આ ગ્રુપ સાથે તગડા વ્યવહારો કરનારાઓ પર ગાળિયો નખાયો છે.