સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરે ૨ મહિનામાં ૧.૫૦ કરોડની દવા વેચી’ને તેમાં આપ્યું ૪૩ લાખનું ડિસ્કાઉન્ટ !
માત્ર નામ'નું નહીં
કામ’નું ડિસ્કાઉન્ટ…
૧૦ રૂપિયાથી લઈ ૭૫,૦૦૦ રૂપિયા સુધીની `રાહત’ આપી અનેક દર્દીઓને કરી મદદ
શહેરની દરેક એજન્સી દ્વારા તમામ પ્રકારની દવા સપ્લાય કરવામાં આવતાં હવે લોકોને ધક્કા નહીં થાય
કોઈ દવા ઉપલબ્ધ નહીં હોય તો અડધી કલાકમાં જ મંગાવી અપાશે-સદ્ભાવના ટ્રસ્ટ ટીમની બાહેંધરી
અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઘર મળશે કે જ્યાં મોંઘીદાટ દવાની ખરીદી કરવામાં આવતી ન હોય. ભલભલા સદ્ધર પરિવારના ખીસ્સા પણ ખાલી થઈ જાય તેટલો ખર્ચ દવા ખરીદી પાછળ થઈ જતો હોય છે. જીવન માટે દવા અત્યંત જરૂરી હોવાથી તેની કોઈ પણ ભોગે ખરીદી કરવી પણ જરૂરી હોવાથી લોકો બે છેડા ભેગા કરીને પણ દવા ખરીદતાં હોય છે. આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં રાખી સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા નાનામવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમના નામે મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી બે મહિનાની અંદર હજારો લોકોએ લાભ મેળવ્યો છે. એકંદરે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર દ્વારા બે મહિનાની અંદર દોઢ કરોડ રૂપિયાની દવાનું વેચાણ કરવામાં આવ્યું છે જેમાં ૪૩ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોવાનું જાહેર કરાયું છે.
આ વાત પરથી જ અંદાજ લગાવી શકાય કે સદ્ભાવના મેડિકલ સ્ટોરમાં માત્ર નામનું નહીં બલ્કે કામનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ! બે મહિનાની અંદર અહીં લોકોને ૧૦ રૂપિયાથી લઈ ૭૫,૦૦૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળ્યું છે. આ અંગે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર ટીમ દ્વારા જણાવાયું કે મેડિકલ સ્ટોર શરૂ થયાના પ્રથમ બે જ મહિનામાં અહીંથી ૧.૦૭ કરોડ -પિયાની દવાનું વેચાણ કરવામાં આવ્યું છે. આ જ દવાની બજાર કિંમત દોઢ કરોડ રૂપિયા જેવી થવા જાય છે એટલા માટે સ્પષ્ટ કહી શકાય કે ૧.૫૦ કરોડની દવા પર ૪૩ લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ મેડિકલ સ્ટોર નહીં નફો, નહીં નુકસાનના ધોરણે એટલે કે માત્ર પડતર કિંમતે સંચાલિત કરવામાં આવી રહ્યું છે.
અહીં તમામ પ્રકારની દવાઓ, ડાઈપર, સર્જિકલ સાધનો ઉપર ૧૫%થી લઈ ૬૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મેડિકલ સ્ટોર સોમથી શનિવાર સુધી સવારે ૮:૩૦થી રાત્રે ૧૨ અને રવિવારે બપોરે એક વાગ્યા સુધી કાર્યરત રહે છે.
મહત્ત્વની વાત એ છે કે હવેથી રાજકોટની દરેક દવા એજન્સી દ્વારા સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરને જોઈએ તેટલો દવા સહિતનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાથી કોઈ પણ વ્યક્તિને ધક્કો થઈ રહ્યો નથી. જો કોઈ દવા મેડિકલ સ્ટોર ઉપર ઉપલબ્ધ ન પણ હોય તો અડધી કલાકની અંદર તે દવા ઉપલબ્ધ કરાવવાની બાહેંધરી પણ સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટીમ દ્વારા આપવામાં આવી છે.