રાઈડ્સ સંચાલકોની દાનત હોય તો હજુ પણ લોકમેળામા ચકડોળ ફરી શકે
રાઈડ્સ માટે ફાઉન્ડેશનનો પ્રશ્ન જ નથી, રાઈડ્સના રિપોર્ટ્સ કે એન્જીનિયરના સર્ટીફિકેટ જ રજૂ નથી કરાયા
રાજકોટ : રાજકોટના લોકમેળામાં રાઈડ્સનો વિવાદ સર્જાયો છે અને મામલો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હોવા છતાં એસઓપી પાલનના નિયમોને લઈ રાઈડ્સ સંચાલકો હજુ પણ ડિસ્ટ્રીકટ રાઈડ્સ એન્ડ સેફટી કમિટી સમક્ષ ગયા ન હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી સિદ્ધાર્થ જાનીએ ઉમેર્યું હતું કે, ફાઉન્ડેશનને લઈ કોઈ પ્રશ્ન નથી પરંતુ એસઓપી મુજબ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવે તો હજુ પણ તંત્ર નિયમ મુજબ એનઓસી આપી શકે તેમ છે.
આજથી શરૂ થયેલ રાજકોટના ભાતીગળ ધરોહર લોકમેળામા સરકારની એસઓપી મુજબ નિયમ પાલન સાથે એનઓસી મેળવવાને બદલે રાઈડ્સ સંચાલકો હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટે પણ નિયમ મુજબ તંત્ર સમક્ષ રાઈડ્સ ચલાવવા માટેની મંજૂરી માટે જવાનું કહ્યું હતું. બીજી તરફ લોકમેળાના ઉદઘાટન સુધી કોઈપણ રાઈડ્સ સંચાલકોએ નિયમ મુજબ તંત્ર સમક્ષ અરજી કરી ન હોવાનું સામે આવ્યું છે.
રાઈડ્સ વિવાદ મામલે રાજકોટ માર્ગ અને મકાન વિભાગમાં અધિકારી સિદ્ધાર્થ જાનીએ જણાવ્યું હતું કે, લોકમેળામા રાઈડ્સ માટે ફાઉન્ડેશનનો કોઈ પ્રશ્ન જ નથી, એસઓપી મુજબ રાઈડ્સ સંચાલકો રાઈડ્સની હિસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ ડિટેઇલ, રાઈડ્સ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, એનડીટી રિપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવે તો ડિસ્ટ્રીકટ રાઈડ્સ એન્ડ સેફટી કમિટી હજુ પણ નિયમ મુજબ રાઈડ્સની ચકાસણી કરી એનઓસી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, લોકમેળામાં જો રાઈડ્સ ચાલુ ન થાય તો મેળામાં યાંત્રિક આઇટમોની હરરાજીમા પ્લોટ ખરીદનાર અને પેટામા આવા પ્લોટ ખરીદનાર ધંધાર્થીઓને નુકશાન થાય કે ન થાય પરંતું રાજસ્થાનથી આવેલ રાઈડસના સંચાલકોને બહુ જ મોટી નુકશાની સહન કરવી પડે તેમ હોવાનું ધંધાર્થીઓ જણાવી રહ્યા છે.
