દર્દીના પરિવારને SORRY’ ન કહેવું પડે એ જ મારી કમાણી…
સૌરાષ્ટ્રના પ્રથમ બેરિસ્ટરના પૌત્ર, ઉદ્યોગપતિના પુત્ર ડો.મીહિર તન્ના બન્યા વોઈસ ઓફ ડે'ના પેઈઝ ગેસ્ટ
૧૪ વર્ષના તબીબ તરીકેના કાર્યકાળમાં ૬૦ હજારથી વધુ હાર્ટના કર્યા ઓપરેશન
રાજકોટમાં અત્યારે લગભગ તમામ સારવાર ઉપલબ્ધ જે મેડિકલ ક્ષેત્રે આપણી સૌથી મોટી ઉપલબ્ધી
હાર્ટએટેકના વધી રહેલા કિસ્સા પાછળ જંકફૂડ, બેઠાડી જીવનશૈલીની સાથે જ પ્રદૂષણ પણ એટલું જ જવાબદાર

ડોક્ટર…આ શબ્દ એવો છે જે આપણા નામની આગળ લગાડવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે…ડોક્ટરને આપણા ભારતમાં ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે કેમ કે ભગવાન બાદ ડોક્ટર જ એક એવી વ્યક્તિ છે જેના હાથમાં દર્દીના જીવનની દોરી રહેતી હોય છે. આવા જ રાજકોટના એક પ્રતિષ્ઠિત ડોક્ટર કે જેમનું તબીબ બિરાદરીમાં આદર'થી નામ લેવામાં આવે છે તેવા ડો.મિહિર તન્નાવોઈસ ઓફ ડે’ના પેઈઝ ગેસ્ટ બન્યા છે. ડો.મિહિર તન્નાનું સ્પષ્ટ માનવું છે કે બધાને એમ લાગતું હોય છે કે ડોક્ટર માટે કમાણી મહત્ત્વની હોય છે પછી ભલે દર્દી જીવે કે મૃત્યુ પામે…! જો કે આ વાત તદ્દન ખોટી છે કેમ કે ડોક્ટર દર્દીમાં કમાણી પછી બલ્કે પહેલાં તેની આર્થિક-શારીરિક હાલત જુએ છે. ડો.મિહિર તન્નાએ ભારપૂર્વક કહ્યું કે હું બધા ડોક્ટરનું નહીં કહું બલ્કે મારું વ્યક્તિગત કહું તો મારી સૌથી મોટી કમાણી એ જ છે કે એક પણ દર્દીના સગાને સોરી' ન કહેવું પડે...! અહીં તેમનો કહેવાનો ભાવાર્થ એ છે કે તેમની હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીનો જીવ કોઈ પણ ભોગે બચી જાય તેવો જ તેમનો પ્રયત્ન રહે છે.
વિદ્યાનગર મેઈન રોડ ઉપર છેલ્લા ૧૪ વર્ષથી ઓલમ્પસ હોસ્પિટલ ધરાવતાં સિનિયર કાર્ડિયોલોજિસ્ટ એવા ડૉ.મિહિર તન્ના સૌરાષ્ટ્રના સૌપ્રથમ બેરિસ્ટર ઈન-લૉ અને સ્વાતંત્ર્ય સેનાની એવા રતિલાલભાઈ તન્નાના પૌત્ર છે. જ્યારે તેમના પિતા પ્રફુલભાઈ તન્ના એક ઉદ્યોગપતિ છે તો પત્ની ફિઝિયોથેરેપીસ્ટ તરીકે ફરજ બજાવે છે. ૧૪ વર્ષની પોતાની કાર્ડિયોલોજિસ્ટ તરીકેની પ્રેક્ટિસ દરમિયાન તેમણે ૬૦ હજાર જેટલા હાર્ટ ઓપરેશન કર્યા છે. જો કે અમુકને બાદ કરતાં જ એવું બન્યું છે કે જ્યારે ઓપરેશન કર્યા બાદ દર્દી કે તેના સગા દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો ન હોય. બાકીના તમામ દર્દીઓ તેમજ તેના પરિવાર દ્વારા ડૉ.તન્નાને આશીર્વાદથી જ નવાજવામાં આવ્યા છે.
રાજકોટ અત્યારે મેડિકલ ક્ષેત્રે ક્યાં ઉભું છે તે વાતનો પ્રત્યુત્તર આપતા ડૉ.તન્ના કહે છે કે અત્યારે આપણે ત્યાં લગભગ તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે જે આપણી આ ક્ષેત્રની સૌથી મોટી ઉપલબ્ધી છે. એ દિવસો પસાર થઈ ગયા કે દર્દીઓએ સારવાર માટે અમદાવાદ અને મુંબઈ સુધી જવું પડતું હતું. અત્યારે શહેરમાં ૧૦૦થી વધુ સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબ કાર્યરત છે અને વૈશ્વિક સ્તરનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ ધરાવે છે. સાથે સાથે તમામ હોસ્પિટલો એકબીજા સાથે સંકળાયેલી હોવાથી દર્દીઓને કોઈ પ્રકારની અગવડ પડતી નથી.
રાજકોટમાં અત્યારે તમને શું પસંદ નથી પડી રહ્યું ? આ વાતનો ડો.તન્નાએ એવો જવાબ આપ્યો કે અહીં દર્દીઓ તેમજ તેમના પરિવારને ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે તે વ્યાજબી નથી કેમ કે આમ થવાથી દર્દીને જ નુકસાન થઈ રહ્યું છે. ઘણાબધા લોકો છે જે વ્યક્તિગત સ્વાર્થ સાધવા માટે આવા કલ્ચરને પ્રોત્સાહન આપી રહ્યા છે. જો કે આપણે ત્યાં દર્દીને મદદરૂપ થવાની જે ભાવના છે તે ગુજરાતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. અહીં દર્દીને દાખલ કરવાની જાણ થાય એટલે દસ લોકો તેની ખબર કાઢવા પહોંચી જાય છે જેની સામે અમદાવાદ, સુરત કે વડોદરામાં આવું જોવા મળતું હોતું નથી એટલા માટે જ રાજકોટનેપ્રેમાળ’ શહેર તરીકે ઓળખવામાં આવે છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વધી રહેલા હાર્ટએટેકના કિસ્સા પાછળ ડો.તન્ના બેઠાડું જીવન ઉપરાંત જંકફુડનું વધુ પડતું સેવન તેમજ સ્ટે્રસ સહિતને તો કારણભૂત ગણે જ છે સાથે સાથે પ્રદૂષણ પણ એટલું જ જવાબદાર હોવાનું તેમનું માનવું છે.
ડૉક્ટર ન હોત તો એક સારો સ્પોર્ટસમેન જરૂર હોત…
જો મિહિર તન્ના ડોક્ટર ન હોત તો શું હોત ? આ પ્રશ્નનો જવાબ આપતાં ડો.તન્ના કહે છે કે આમ તો પહેલાંથી જ મારી રુચિ ડોક્ટર બનવાની હતી અને મેં એના માટે ઘણી બધી મહેનત પણ કરી છે આમ છતાં જો હું ડોક્ટર ન હોત તો એક સારો સ્પોર્ટસમેન જરૂર બન્યો હોત. હું બાસ્કેટબોલ અને ક્રિકેટની રમતમાં માહેર ખેલાડી રહી ચૂક્યો છું.
સંતાનમાં એક બિલ્ડર તો બીજો એરોનોટિકલ એન્જિનિયર બની શકે
ડો.મિહિર તન્નાને અત્યારે ૯ વર્ષ અને ૭ વર્ષના બે પુત્ર છે ત્યારે શું તેમને પણ તબીબ જ બનાવશો ? આ સવાલનો જવાબ આપતાં ડો.તન્નાએ કહ્યું કે ના, હું સંતાન ઉપર કારકીર્દિને લઈને કોઈ દબાણ લાવવા માંગતો નથી. હું જ્યાં સુધી સંતાનોમાં જોઉં છું ત્યાં સુધી મારો એક પુત્ર જરૂર બિલ્ડર બનશે તો બીજા પુત્રમાં હું એરોનોટિકલ એન્જિનિયરના ગુણ જોઈ રહ્યો છું.
…ને જ્યારે પિતાનું જ હૃદય બંધ પડી ગયું !
જ્યારે ડોક્ટર ખુદ તેના સગાની જ સારવાર કરે ત્યારે કેવું ફિલ થતું હોય છે ? આ અંગે ડો.તન્ના કહે છે કે તેમના પિતા પ્રફુલભાઈનું ૬૯ વર્ષની વયે હૃદય બંધ પડી ગયું હતું ત્યારે તેમની સારવાર પોતે કરી હતી. જો કે ત્યારે ડોક્ટર પહેલાં હું એક પુત્ર તરીકે તેમને જોઈ રહ્યો હતો આમ છતાં મેં તેમનું સતત પમ્પીંગ કર્યું હતું અને જીવ બચાવ્યો હતો. આ ઉપરાંત નાનીમાને ૯૦ વર્ષની ઉંમરે પેસ મેકર મુક્યું હતું તો સગા મામા અને ફૈબાની પણ સારવાર કરી છે. ડો.મિહિર તન્ના પોતાના પિતાને આદર્શ ગણીને આગળ વધી રહ્યા છે.
એઈમ્સને કારણે ખાનગી હોસ્પિટલોને ફટકો પડશે તે વાત મીથ્યા, હા, દર્દીઓને જરૂર ફાયદો મળશે
રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે ત્યારે ખાનગી હોસ્પિટલોને જોરદાર ફટકો પડશે તેવી વાતો વચ્ચે ડો.મિહિર તન્ના જણાવે છે કે આ બધી વાતો મીથ્યા છે. એઈમ્સ હોસ્પિટલને કારણે દર્દીઓને બહોળો ફાયદો મળશે. રાજકોટનો ઘણોખરો વર્ગ એવો છે જે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જાય છે ત્યારે હવે એઈમ્સ શરૂ થઈ જવાથી સિવિલ ઉપર ભારણ ઘટશે અને અત્યંત નજીવા દરે તેઓ એઈમ્સ હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સારવાર મેળવી શકશે.
ટાઈમ મેનેજમેન્ટમાં ડો.તન્નાને ફોલો કરવા પડે…!
અત્યારે સતત વ્યસ્તતા વચ્ચે પણ ડો.તન્ના પરિવારને પૂરતો સમય આપી રહ્યા છે. તેમણે કહ્યું કે દૈનિક મારી ૫૦થી ૬૦ ઓપીડી હોય છે તો એક મહિનાની ૧૦૦ જેટલી એન્જીયોગ્રાફી-એન્જીયોપ્લાસ્ટિ થઈ રહી છે. હું સવારે ૧૧ વાગ્યે હોસ્પિટલે પહોંચીને ૩:૩૦ વાગ્યા સુધી કાર્યરત રહું છું. આ પછી લંચબ્રેક બાદ ફરીથી દર્દીઓની સુશ્રુષા પાછળ કાર્યરત થઈ જાઉં છું. મારું માનવું છે કે જીવનમાં ક્યારેય હાર માનવી જોઈએ જ નહીં.
