ડુંગળીની નિકાસને મંજુરીના નિર્ણયને કોંગ્રેસે ગણાવ્યો દેખાડા સમાન
ડુંગળી પતી ગયા પછી હટાવાઈ નિકાસબંધી! : ખેડૂતોમાં પણ આ જ લાગણી
ડુંગળી પર કરાયેલ નિકાસબંધીનો પ્રતિબંધ સરકારે હટાવી લેતા નિકાસની છૂટ આપી છે. કોંગ્રેસે આ નિર્ણયને દેખાડા સમાન ગણાવતા કહ્યુ છે કે ડુંગળી પતી ગયા પછી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહી.
ગુજરાત કોંગ્રેસના મનહર પટેલે સરકારના નિર્ણયને ઘોડા છુટા ગયા બાદ તબેલાને તાળા સમાન ગણાવ્યો. તેમણે જણાવ્યુ કે ખરીફ પાક ટોટલી પતી ગયા પછી તમે 3 લાખ મેટ્રિક ટન નિકાસ કરવાનો નિર્ણય કરો છો તે ગાર લીંપણ કરવા જેવી બાબત છે. તેમણે કહ્યુ સરકારના ખોટા નિર્ણય અને ખોટી નીતિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે.
મનહર પટેલે વધુમાં જણાવ્યુ કે કોઈપણ ડુંગળીની આવરદા 15 દિવસની હોય છે. ડુંગળીની આવરદા વધારવા કિપીંગ ક્વોલિટી વિકસાવવા માટે દેશના ભાભા એટોનોમિક રિસર્ચ સેન્ટરે એક ટેકનોલોડી ડેવલપ કરી છે. આ ટેકનોલોજીનું અમલીકરણ કરવામાં આવે તો ડુંગળીની આવરદા 15 દિવસથી વધારીને 6 મહિના સુધીની કરી શકાય છે. આ ટેકનોલોજી ગુજરાતના અને દેશના દરેક ખેડૂતને આપવી જોઈએ. જો ડુંગળીના આવરદા વધશે તો ખેડૂતો ડુંગળીને રાખી શકશે, યોગ્ય પ્લેટફોર્મ પર સંગહ કરી શકશે. અને આવા ભાવ નબળા પડે ત્યારે ખેડૂતો તેના યોગ્ય ભાવ મેળવી શકશે. પરંતુ સરકાર આ માળખાને ડેવલપ કરવાના મતમાં જ નથી.
તેમણે જણાવ્યુ કે દેશમાં 318 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સામે 3 લાખની નિકાસની છૂટ આપી છે. ત્યારે બાકીના ઉત્પાદનનું શું તે સવાલ પણ કોંગ્રેસ કરી રહી છે. હાલ નિકાસ બંધી હટાવી છે પણ હાલ ખેડૂતો પાસે ડુંગળી જ બચી નથી અને હાલ નવી ડુંગળી છેલ્લા દોઢ મહિનામાં આવવાની નથી તો ખેડૂતો નિકાસ શેની કરશે.
કોંગ્રેસે કહ્યું છે કે, નિકાસબંધીના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની હતી અને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને અમરેલી, તળાજા, મહુવા અને ભાવનગરના ખેડૂતોને નિકાસબંધીને કારણે મરણતોલ ફટકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
દરમિયાન એક ખેડૂતના જણાવ્યા મુજબ સરકારે પ્રતિબંધ થોડો વહેલો ઉઠાવ્યો હોત તો કંઈક ફાયદો થતો. હવે ખરીફ પાકનું જે ઉત્પાદન હતુ તે તો મોટાભાગનું પતી ગયુ છે. ત્યારે હાલ તો માત્ર આંશિક રાહત મળે. બાકી જે નુકસાની થવાની હતી તે તો થઈ જ ચુકી છે.