વેપારીના રૂ.8.16 કરોડના ચણા-ઘાણા ભાણેજે બારોબાર વહેચી નાખ્યા
કોલ્ડ સ્ટોરેજની દેખભાળ રાખતા ભાણેજે મામા સાથે કરી છેતરપિંડી
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના વેપારીના સગા ભાણેજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓનો રૂ.8.16 કરોડના ધાણા અને ચણાનો જથ્થો બારોબાર વહેચી નાખતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટના નાનામવા મેઈન રોડ પર સૂર્યમુખી હનુમાનની બાજુમાં રહેતાં અને કાંગસીયાળી પાસે શ્યામ સેલ્સ કોર્પોરેશન નામની રીફાઇનરી તેમજ ગોંડલના ભુણાવા ગામની સીમમાવાધેશ્વર મંદિરની પાછળના ભાગમા મારૂતી એગ્રી ફૂડસ નામનુ કોલ્ડ સ્ટોરેજ ગોડાઉન ધરાવતા કિશોરભાઇ અમૃતભાઈ ડેડાણીયા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ રહેતા ભાણેજ ઉત્તમ પ્રવીણ ત્રાંબડીયાનું નામ આપ્યું છે. કિશોરભાઇએ વર્ષ 2017માં દર્શનાબેન જગદીશભાઇ ભુત, દિનેશભાઇ રવજીભાઇ અમૃતીયા તથા ઉતમ પ્રવિણ ત્રાંબડીયા સાથે ભાગીદારીમાં મારૂતી કોલ્ડ સ્ટોરેજ શરૂ કરેલ ત્યારબાદ ચારેય ભાગીદાર ભાગીદારીમાથી જુદા થયેલ અને એકબીજાનો નિકળતો હિસ્સો આપી વર્ષ-2018 મા કિશોરભાઈએ મારૂતી એગ્રી ફૂડસ નામનો કોલ્ડ સ્ટોરેજ સંભાળી લીધેલ હતો. કોલ્ડ સ્ટોરેજ પર દેખરેખ રાખવા તેમના ભાણેજ ઉતમ પ્રવિણ ત્રાંબડીયાને તમામ જવાબદારી સોંપવામા આવી હતી. કિશોરભાઇની જાણ બહાર ભાણેજ પ્રવીણ ત્રાંબડીયા એ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અલગ અલગ વેપારીઓ/ખેડુતો/પેઢીઓ દ્રારા રાખવામાં આવેલ રૂ.8,16,72,500 ના ચણા તથા ઘાણા બારોબાર વહેચી નાખતા ફરિયાદ નોંધાવેલ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જે. એમ.ઝાલા અને ટીમે આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે.