ઈન્દોરને પગલે રાજકોટ: હોટેલ-રેસ્ટોરન્ટના ફેંકાયેલા ભોજનમાંથી ગેસ બનાવશે મનપા
રિલાયન્સ, અદાણી, ટાટા સહિતની સાત કંપનીઓએ દાખવ્યો રસ: સોમવારે ખુલશે ટેન્ડર: અગાઉ થયેલી જાહેરાતોનો હવે અમલ થાય તેવી શક્યતા
વૉઈસ ઑફ ડે, રાજકોટ
સ્વચ્છતામાં દેશનું નંબર વન શહેર એવું મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં અમલી બનાવાયેલી યોજનાઓનું અનુસરણ હવે રાજકોટ મહાપાલિકા કરવા લાગી છે. ટૂંક સમયમાં જ રાજકોટની રેસ્ટોરન્ટ, હોટેલો, ઢાબાઓમાં ફેંકી દેવાયેલા ભોજન (એઠવાડ)માંથી બાયો મીથેનેથન ગેસ ઉત્પાદન થવા લાગશે. આમ તો આ પ્રકારની જાહેરાત અગાઉના મ્યુનિ.કમિશનરો કરી ચૂક્યા છે પરંતુ હવે તેનો વાસ્તવિક રીતે અમલ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
તા.૪ ડિસેમ્બરને સોમવારે આ કામ માટેના ટેન્ડર ખોલવામાં આવશે જેમાં સાત કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું મ્યુનિ.કમિશનર આનંદ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ કામ માટે રિલાયન્સ, અદાણી, ટાટા સહિતની પ્રતિષ્ઠિત કંપનીઓ કામ કરવા માટે તૈયાર છે. જે એજન્સીનુું ટેન્ડર ફાઈલ થશે તેના દ્વારા દરેક રેસ્ટોરન્ટ, હોટેલ અને ઢાબાઓ પરથી એઠવાડ એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ મહાપાલિકા દ્વારા એજન્સીને ગેસ ઉત્પાદન માટે જગ્યા ફાળવાશે. મોટાભાગે આ જગ્યા નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર ઉભી કરવામાં આવે તેવી શક્યતા છે. એજન્સી દ્વારા ગેસ ઉત્પાદન કર્યા બાદ ટન ઉપર તેનું પ્રિમિયમ મહાપાલિકાને ચૂકવશે.
બોક્સ
આશ્ચર્યમ્: અગાઉ ઈન્દોરની એજન્સીએ રસ દાખવ્યો’તો, શાસકો આડા ફાટ્યા !
શહેરનો વિકાસ કરવાની જવાબદારી જેમના ખભા પર રહેલી છે તેવા મહાપાલિકાના શાસકો ક્યારે કેવા પ્રકારના વિચિત્ર નિર્ણયો લઈ લ્યે તેની કલ્પના કોઈ કરી શકે તેમ નથી. જાણવા મળ્યા પ્રમાણે એઠવાડમાંથી ગેસ ઉત્પાદન કરવાની યોજના પાઈપલાઈનમાં છે ત્યારે અગાઉ પણ ઈન્દોરની જ એક એજન્સીએ આ કામ કરવા માટે રસ દાખવ્યો હતો પરંતુ તે સમયે શાસકો આડા ફાટ્યા હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે.
