હવે વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા કરશે ? કોને મળશે ? વાંચો
- વડાપ્રધાન મોદી આવતા મહિને યુક્રેન જશે
- યુધ્ધગ્રસ્ત દેશના પ્રમુખ ઝેલેન્સકી સાથે મુલાકાત; મોદી ફરી શાંતિનો સંદેશ આપી શકે છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવતઃ 23 ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઇ શકે છે. જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદોમીર ઝેલેન્સકી સાથે તેમની મુલાકાત થશે. રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે. મોદી એવા સમયે યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.

ભારતે હમેશા યુધ્ધ ટાળીને વાતચીત દ્વારા જ સમસ્યાના સમાધાન શોધવાની હિમાયત કરી છે અને મોદીએ રશિયામાં પણ આવી જ વાત કરી હતી. હવે યુક્રેન એમની વાત સ્વીકારે છે કે નહીં તે જોવાનું રહેશે.
લગભગ એક મહિના પહેલા જ મોદીએ ઈટાલીમાં આયોજિત G7 સમિટમાં ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. ઈટાલીમાં યોજાયેલી મુલાકાતમાં બંને નેતા ગળે ભેટતાં પણ દેખાયા હતા. લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ મોદીના ત્રીજા કાર્યકાળ માટે ઝેલેન્સકીએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી અને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
આ વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદી અને ઝેલેન્સકી વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંનેએ ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ભારત શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે અને ક્ષમતા મુજબ દરેક શક્ય પ્રયાસો કરવાનું ચાલુ રાખશે.’