હોમ લોન માટે સરકાર નવી યોજના પર કરી રહી છે વિચાર : લાખો લોકોને થશે ફાયદો
- કર્મચારી ના હોય તો પણ ડિજિટલ વ્યવહારના આધારે હોમ લોન
- કેન્દ્ર સરકાર નવી યોજના પર વિચાર કરી રહી છે : લાખો લોકોને ફાયદો મળશે ; નિયમિત ડિજિટલ વ્યવહાર હશે તો લાભ મળશે
વોઇસ ઓફ ડે
કેન્દ્ર સરકાર મકાન ખરીદવા માટે સમાજના દરેક વર્ગને સહાયતા કરવા માંગે છે અને તેના ભાગરૂપે હવે સરકાર એક નવી યોજના પર વિચાર કરી રહી છે જેનાથી લાખો લોકોને ફાયદો મળી શકે છે. કેન્દ્ર સરકાર હોમ લોન માટે એક વિશેષ યોજના પર મંથન કરી રહી છે.
આ યોજના એવી છે કે જે લોકો વેતનભોગી કર્મચારી નથી છતાં તેમને ડિજિટલ વ્યવહારના આધાર પર હોમ લોન આપવામાં આવશે. જો મોટી સંખ્યામાં વ્યવહાર કર્યા હશે તો એમને આ લાભ મળશે. આમ સરકાર ડિજિટલ ફૂટપ્રિન્ટના આધાર પર હોમ લોન દેવા માંગે છે.
આ પ્રકારની સ્કીમ પર વિચાર થઈ રહ્યો છે અને ટૂક સમયમાં જ આ બારામાં ફાઇનલ નિર્ણય થઈ જવાની ધારણા છે. તાજેતરમાં જ નાણામંત્રીએ બજેટમાં એમએસએમઈ સાથે જોડાયેલા લોકો માટે આ પ્રકારના જ એક મોડેલની જાહેરાત કરી હતી.
નિર્મલા સિતારમણે બજેટમાં આ અંગેની માહિતી પણ આપી હતી. વાસ્તવમાં નાણાં મંત્રાલય એમએસએમઈ એસેસમેન્ટ મોડેલની જેમ જ એક યોજના બનાવી રહ્યું છે જેમાં ડિજિટલ ફૂટ પ્રિન્ટના આધાર પર લોકોને હોમ લોન આપવાની જોગવાઈ છે.
આ સ્કીમના આધારે એવા લોકોને હોમ લોન આપવામાં આવશે જેમની આર્થિક સ્થિતિનું આકલન કરી શકાતું નથી. જો આ સ્કીમ અમલમાં આવશે તો સેંકડો લોકોને ઘર બનાવવા માટે લોન મળશે અને એમને ઘરનું ઘર મળી રહેશે.