દેશના અર્થતંત્ર વિશે શું આવી આગાહી ? કોણે શું કહ્યું ? વાંચો
દેશના અર્થતંત્ર અંગે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ-2025ના પ્રથમ ત્રિમાસિક ડેટા ગ્રામીણ વપરાશમાં સતત વધારો દર્શાવે છે. જો અર્થવ્યવસ્થા છેલ્લા 10 વર્ષમાં હાથ ધરાયેલા મૂળભૂત સુધારાઓ પર આગળ વધે તો તે મધ્યમ ગાળામાં 7 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. અર્થતંત્ર પાટા પર જ છે. આગામી સમય પણ સારો જ રહેવાનો છે.
નાગેશ્વરને તાજા ડેટા પર વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘ગ્રામીણ વપરાશ વર્ચ્યુઅલ રીતે સ્થિર થયો છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. સારા ચોમાસાને કારણે ગ્રામીણ વપરાશને વેગ મળશે. આનાથી આગામી ત્રિમાસિક ગાળામાં એકંદરે વપરાશ વધશે.’ ભારતે જૂન 2024ના અંતે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં 6.7 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.
એમણે નોંધ્યું હતું કે ઘણા ટીકાકારોએ ચૂંટણીના ભાગરૂપે ઘટતા સરકારી ખર્ચ અને મૂડી રોકાણને કારણે જીડીપી વૃદ્ધિમાં કેટલાક ઘટાડાની આગાહી કરી હતી. જો કે, અર્થતંત્રે માંગ અને પુરવઠાને વધુ સારી રીતે સંકલન કર્યું છે કારણ કે ખાનગી વપરાશ ખર્ચ, કુલ નિશ્ચિત મૂડી નિર્માણ અને ચોખ્ખી નિકાસમાં વધારો થયો છે. નાગેશ્વરને કહ્યું, ‘ભારતીય અર્થવ્યવસ્થાએ વૃદ્ધિ જાળવી રાખી છે. ખાનગી ક્ષેત્રે રોકાણ શરૂ કર્યું છે.
એમણે આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ અને છેલ્લા 10 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે જળાશયો ભરવાના કારણે આ નાણાકીય વર્ષમાં ફરીથી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સુધારો થઈ શકે છે. સારા ચોમાસાના વરસાદ અને વાર્ષિક ધોરણે વધુ ખરીફ વાવણીને કારણે ગ્રામીણ માંગ અને કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ શકે છે