શું છે રણજીતસિંહ હત્યાકાંડ ?? 22 વર્ષ પહેલાના કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર
બહુચર્ચિત રણજીત સિંહ હત્યા કેસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રામ રહીમને મોટી રાહત આપી છે. બાબા રામ રહીમ સહિત પાંચ આરોપીઓને રણજીતસિંહ હત્યા કેસમાં હાઇકોર્ટે છોડી મૂક્યા છે. આ કેસમાં સીબીઆઈ કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમે આજીવન કેદની સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી ત્યારે મંગળવારે (૨૮ મેના રોજ ) તેમની અપીલ પર ચુકાદો આપતાં હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે અને રામ રહીમ સહિત પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
કોણ છે રણજીત સિંહ ?
હરિયાણાના કુરુક્ષેત્રના રહેવાસી રણજીત સિંહ સિરસા ડેરાનો મેનેજર હતા. રણજીત સિંહની 22 વર્ષ પહેલા શંકાના કારણે 10 જુલાઈ 2002ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ગુમનામ સાધ્વીએ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો અને પત્રમાં રામ રહીમની તપાસની માંગ કરવામાં આવી હતી. ડેરા મેનેજમેન્ટને શંકા હતી કે રણજિત સિંહે સાધ્વીના યૌન શોષણની ચિઠ્ઠી પોતાની બહેન પાસે લખાવી હતી.
આ એ જ અનામી પત્ર છે જે સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિએ તેમના સાંજના અખબાર ‘પુરા સચ’માં પ્રકાશિત કર્યો હતો. જેના કારણે 24 ઓક્ટોબર 2002ના રોજ પત્રકાર રામચંદ્ર છત્રપતિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ગોળી મારવામાં આવી હતી. રામચંદ્રનું 21 નવેમ્બર 2002ના રોજ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અવસાન થયું હતું.
રણજીત સિંહ હત્યા કેસની 2003માં તપાસ CBIને સોંપવામાં આવી હતી
પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીત સિંહના પુત્ર જગસીર સિંહે જાન્યુઆરી 2003માં હાઈકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હાઈકોર્ટે પુત્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ કેસની તપાસ કરતી વખતે સીબીઆઈએ રામ રહીમ સહિત પાંચ લોકો સામે કેસ નોંધ્યો હતો. 2007માં કોર્ટે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. જોકે, શરૂઆતમાં ડેરામુખીનું નામ આ કેસમાં નહોતું, પરંતુ 2003માં સીબીઆઈને તપાસ સોંપવામાં આવ્યા બાદ 2006માં રામ રહીમના ડ્રાઈવર ખટ્ટા સિંહના નિવેદનના આધારે આ હત્યા કેસમાં ડેરામુખીનું નામ સામેલ હતું. .
2021માં સીબીઆઈ કોર્ટે ગુરમીત રામ રહીમ સહિત પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમ સિંહને 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ પોતાની બે વિદ્યાર્થીનીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે આજે (28 MAY) રામ રહીમને હાઈકોર્ટ તરફથી મળી મોટી રાહત, રણજીત સિંહ હત્યા કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.