કાશ્મીરમાં જળ તાંડવ,નદીઓ ગાંડીતૂર, પર્વતો પરથી ભેખડો ધસી, 11ના મોત
અનેક વાહનો તણાયા, નવું બસ સ્ટેન્ડ ધરાશયી
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં રવિવારે મુશળધાર વરસાદ બાદ આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. નદીઓ કાંઠા તોડી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં 11 લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. અનેક વાહનો પૂરના પાણીમાં તણાઈ ગયા છે અને રાજૌરીનું નવું બસ સ્ટેન્ડ પણ ભારે નુકસાન પામ્યું છે.
રવિવારે ભારે વરસાદ શરૂ થયાની થોડી જ મિનિટોમાં દર્હાલી, ખાંડલી, સુક્તોહ અને જામોલા સહિતની નદીઓ ઉફાણ પર આવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. બેલા કોલોની નજીક દર્હાલી નદીએ પૂરરક્ષણ દિવાલ તોડી નાખતાં પાણી સીધું નવા બસ સ્ટેન્ડમાં ઘૂસી આવ્યું હતું. ત્યાં પાર્ક કરાયેલા ડઝનો વાહનો પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા અથવા કાદવભર્યા પાણીમાં ડૂબી ગયા હતા.નવું જ બનેલું બસ સ્ટેન્ડ પાણીનો માર સહન ન કરી શકતાં જમીનદોસ્ત થઈ ગયું હતું.
દરમિયાનમાં હવામાન વિભાગે 23 જુલાઈ સુધી જમ્મુ-કાશ્મીરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સતર્ક રહેવાની અપીલ કરી છે.
અનેક પરિવારોનું સ્થળાંતર, માર્ગવ્યવહાર ખોરવાયો
અબ્દુલ્લા બ્રિજ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. પૂરના પાણી ઘૂસી આવતાં 48થી વધુ પરિવારોને ઘર છોડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તારિક બ્રિજ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં પોલીસ અને બચાવ દળોએ અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. મહિલા સહિત કેટલાક લોકો પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા, જેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલન થતાં માર્ગવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
