NEET વિવાદ બાદ એન્ટી પેપર લીક બિલ રજૂ થતાં જ લોકસભામાં હોબાળો
દેશમાં તાજેતરના NEET વિવાદ અને વ્યાપક વિદ્યાર્થી આંદોલનોના ઘમાસાણ વચ્ચે સંસદના ચોમાસુ સત્રમાં રાજકારણ ગરમાયું છે. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ ડામવા માટે સરકારે લોકસભામાં મહત્ત્વપૂર્ણ ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કર્યું છે. જોકે, બિલ રજૂ થવાની સાથે જ વિપક્ષના આક્રમક તેવર અને સૂત્રોચ્ચારને કારણે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચ્યો હતો, જેને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
લોકસભામાં ‘એન્ટી પેપર લીક બિલ’ રજૂ અને હોબાળો
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કર્યું હતું.
વિપક્ષના ભારે હંગામા અને નારાબાજી વચ્ચે પીએમઓ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ લિસ્ટેડ બિઝનેસ હાથ પર ધરીને બિલ રજૂ કર્યું હતું.
વિપક્ષના આક્રમક મૂડના કારણે ગૃહની કાર્યવાહી સતત ખોરવાઈ હતી અને સ્પીકર દ્વારા લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી.
લોકસભામાં સ્પીકરની ચેર પર આવેલા દિલીપ સૈકિયાએ સદનને જણાવ્યું હતું કે સ્પીકરે સ્થગન પ્રસ્તાવની એકપણ નોટિસને મંજૂરી આપી નથી.
આ પણ વાંચો: રાજ્યના 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ 100 ટકા ભરાયા; 21 ડેમ પર ‘હાઈ એલર્ટ’
સંસદ પરિસરમાં વિપક્ષનું વિરોધ પ્રદર્શન અને રાજ્યસભામાં ખડગેની માંગ
બૃહોની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત થયા બાદ વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ પ્રદર્શન: વિપક્ષી સાંસદોના હાથમાં ‘વોટ ચોરી’ થી લઈને ‘ચંદા ચોરી’ સુધીના સૂત્રો લખેલા મોટા બેનરો જોવા મળ્યા હતા. તેઓ દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલન પર થયેલા લાઠીચાર્જ અંગે ગૃહમંત્રી અમિત શાહ પાસે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા હતા.
રાજ્યસભામાં હંગામો: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીક અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગનો મુદ્દો ઉઠાવતા તેને ‘અત્યંત ગંભીર કિસ્સો’ ગણાવ્યો હતો અને નિયમ 267 હેઠળ ચર્ચા કરવાની માંગ કરી હતી. જોકે, ખડગેની રજૂઆત વચ્ચે જ સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી.
વિપક્ષના સ્થગન પ્રસ્તાવો: ડીએમકે (DMK) સાંસદ ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ NEET પર તાત્કાલિક પ્રતિબંધ તેમજ જંતર-મંતર પર પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોર અને વિજય વસંતે 20 જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર પેલેટ ગન અને શોક બેટનનો ઉપયોગ થયાના આક્ષેપો સાથે ગૃહમાં ચર્ચાની માંગ કરી છે.
સરકારની રણનીતિ: યુવા સાંસદો સંભાળશે મોરચો અને પ્રહ્લાદ જોશી સંભાળશે પ્રશ્નકાળ
આ સંવેદનશીલ બિલ પર આગામી સમયમાં આશરે 8 થી 10 કલાક સુધી વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે.
ચર્ચામાં ભાજપ અને સહયોગી દળો તરફથી વાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, સાયોની ઘોષ, મિતાલી બાગ, ડૉ. શ્રીકાંત શિંદે અને અનુપ્રિયા પટેલ જેવા યુવા સાંસદો મોરચો સંભાળશે.
નવા શિક્ષણ મંત્રી તરીકે પદ સંભાળ્યા બાદ પ્રહ્લાદ જોશી આજે પ્રથમ વખત પ્રશ્નકાળ દરમિયાન શિક્ષણ મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબો આપશે. શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર સંસદ ભવન પહોંચેલા ધર્મેન્દ્ર પ્રધાનનું એનડીએ (NDA) સાંસદોએ મકર દ્વાર પર ભવ્ય સ્વાગત કરી પાઘડી પહેરાવી હતી.
પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે હાઇ-પાવર ટાસ્ક ફોર્સ અને ‘મેકર-ચેકર’ મોડલ
પરીક્ષા પ્રણાલીને વધુ ટેક્નોલોજીકલ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે સરકારે મોટાં પગલાં લીધાં છે:
ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટેક્નોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના વડપણ હેઠળ એક હાઇ-પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ટાસ્ક ફોર્સના અન્ય સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડૉ. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણાનો સમાવેશ થાય છે.
મેકર-ચેકર મોડલ: આઈઆઈટી (IIT) મદ્રાસના ડિરેક્ટર ડૉ. વી. કામકોટીએ જણાવ્યું કે, બેન્કિંગ સેક્ટરની જેમ ‘મેકર-ચેકર’ મોડલ અપનાવીને પેપર સેટ કરનાર વ્યક્તિની જવાબદારી અને પ્રામાણિકતા ચોક્કસપણે સુનિશ્ચિત કરવામાં આવશે.
અન્ય મહત્ત્વપૂર્ણ વિધેયક: સુપ્રીમ કોર્ટ જજ સુધારા બિલ
આજના સંસદીય કાર્યસૂચિમાં માત્ર એન્ટી પેપર લીક બિલ જ નહીં, પરંતુ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા ‘સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) સુધારા વિધેયક, 2026’ પણ ચર્ચા અને પારિત કરવા માટે રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાનો છે.
