દિલ્હી પોલીસના દમન અંગે તાત્કાલિક સુનાવણીની માંગણી સુપ્રીમ કોર્ટે ફગાવી
કહ્યું,” તમારો અને અમારો સમય બગાડો નહીં..’
જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને સીજેપી (Cockroach Janta Party)ના કાર્યકરો સામે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને બળપ્રયોગના મુદ્દે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી હતી. અરજદારે પોલીસની કાર્યવાહી પર સુઓ મોટો સંજ્ઞાન લેવા અને સ્વતંત્ર ન્યાયિક તપાસનો આદેશ આપવા માંગ કરી હતી, પરંતુ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અરજીનો ઉલ્લેખ થતાં જ કડક શબ્દોમાં તેને નકારી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો મુદ્દો ઉઠાવી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. તેમણે કોર્ટને પોલીસની કાર્યવાહીના વીડિયો પણ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમારો અને તમારો સમય બગાડો નહીં. અમે કોઈ વીડિયો જોવા માંગતા નથી.” આ સાથે કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: 15 ઓગસ્ટ 2027થી દોડશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: માત્ર 2 કલાકમાં કપાશે 508 KMનું અંતર!!!
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને દિલ્હી પોલીસે અગાઉના ન્યાયિક આદેશોનું પણ પાલન કર્યું નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર ન્યાયિક તપાસની રચના કરવા, જવાબદાર પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા તથા ભવિષ્યમાં શાંતિપૂર્ણ દેખાવો દરમિયાન નાગરિકોના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે પણ તાત્કાલિક સુનવણીનો ઇનકાર કર્યો હતો
મંગળવારે દિલ્હી હાઇકોર્ટે પણ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ સામે પોલીસના કથિત અતિશય બળપ્રયોગ અંગેની અરજીને તાત્કાલિક સાંભળવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે અરજદારને કહ્યું કે, “આ બધામાં કોર્ટને ખેંચશો નહીં.” જોકે કોર્ટે અરજીને નિયમિત સુનાવણી માટે બુધવારે સૂચિબદ્ધ કરી હતી. અરજીમાં સોનમ વાંગચૂક સહિતના ઉપવાસી વિદ્યાર્થીઓને બળજબરીથી હટાવવા, વિરોધ પ્રદર્શન વિખેરી નાખવા, અટકાયત કરવા અને અતિશય બળપ્રયોગના આરોપોની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.
