રશિયાએ ઘોષણાપત્રને સંતુલિત ગણાવ્યું છેલ્લી ઘડી સુધી મથામણ ચાલ્યા બાદ અંતે સમાધાન
રશિયાએ એક સમયે વીટો વાપરવાની ચીમકી આપી હતી
જી 20 સમિટના ઘોષણાપત્રને રશિયાએ સંતુલિત ગણાવીને આવકાર્યું હતું.શનિવારે લાંબી મથામણ બાદ જાહેર કરવામાં આવેલ ઘોષણાપત્રમાં યુક્રેન ઘર્ષણ માટે રશિયાની ટીકા કરવાનું ટાળવામાં આવતા રશિયા ખુશ છે.ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધ અને રશિયાની ભૂમિકા અંગેના મુસદ્દા બાબતે ભારે મતમતાંતર હતા.પશ્ચિમના દેશો રશિયાની આકરી ટીકા કરવાનો આગ્રહ રાખતા હતા. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા મુજબ રશિયાની ટીકા વાળો મુસદ્દો તૈયાર થાય તો તેની સામે વીટો વાપરવાની રશિયાએ ચીમકી આપતા મામલો વધુ જટિલ બન્યો હતો.
રશિયન શેરપા સ્વેતલાના લુકાશે એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુક્રેન બાબતે ઘોષણાપત્ર અંગે સર્વ સંમતિ સાધવાનું કામ ખૂબ કઠિન હતું. તેમણે કહ્યું કે સૌ પ્રથમ બ્રિક્સ દેશો અને અન્ય સાથી દેશો આ માટે કાર્યરત થયાં હતા અને અંતે એક સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો હતો.નોંધનીય છે કે મુસદ્દામાં રશિયાની ટીકા કરવાને બદલે બધા દેશોને અન્ય દેશોની ભૂમિનો કબજો કરવાથી દુર રહેવાની અપીલ કરવામાં આવી છે.એ પણ ઉલ્લેખનીય છે કે યુક્રેન સંઘર્ષને રશિયા એ ‘ સ્પેશિયલ મીલીટરી ઓપરેશન ‘ નામ આપ્યું છે.
ઘોષણાપત્ર બાબતે નામ ન આપવાની શરતે યુરોપિયન યુનિયનના એક અધિકારીએ જણાવ્યું હતું કે જી20 ના ઇતિહાસનો આ સૌથી મુશ્કેલ અને જટીલ મુદ્દો હતો. સમિટ શરૂ થઈ તેના છેલ્લા 20 દિવસથી સર્વસંમત મુસદ્દા માટે મથામણ ચાલતી રહી હતી જે છેક શુક્રવાર સુધી ચાલુ રહી હતી.શુક્રવારે ભારતે જારી કરેલ ડેકોરેશન મુદ્દા માં યુક્રેન અંગેનો પરેગ્રાફ ખાલી રાખવામાં આવ્યો હતો.કેટલાક સભ્ય દેશોએ એ ઉલ્લેખ વગરના ઘોષણાપત્રમાં હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરતાં સમૂળગું ઘોષણાપત્ર રદ થવાની ભીતી સર્જાઈ હતી.અંતે રશિયાની ખુલ્લી ટીકા કરવાનું ટાળવામાં આવ્યું હતું અને મહદ અંશે બાલી સમિટ સમયના મુસદ્દા ને અનુસરીને આ મામલે સમાધાન શક્ય બન્યું હતું.ભારત ઉપરાંત સાઉથ આફ્રિકા અને બ્રાઝિલે સર્વ સંમતિ સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
યુક્રેન નારાજ
રશિયાની ટીકા ન કરાતા યુક્રેન નારાજ થયું છે.તેના પ્રવકતા એ કહ્યું કે દિલ્હી ડેકલેરેશનમાં ગૌરવ લેવા જેવું કંઇ જ નથી. આ સમિટમાં ઉપસ્થિતિ રહેવાની અમારી માગણી સ્વીકારાઈ હોત તો અમે સાચી વાત જણાવી શક્યા હોત.
