PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી ભડક્યું અમેરિકા!
વૈશ્વિક રાજકારણમાં જ્યારે બે મહાસત્તાઓ વચ્ચે તણાવ વધતો હોય, ત્યારે ભારત જેવા દેશોના કૂટનીતિક પગલાં પર આખી દુનિયાની નજર રહેતી હોય છે. તાજેતરમાં જ પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ વચ્ચે થયેલી મુલાકાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વળાંક લીધો છે, જેના પર અમેરિકાએ કડક શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
માર્કો રુબિયોની ભારતને કડક ચેતવણી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાન સાથે વ્યાપારી સંબંધો કે વેપાર કરનારા દેશોને સીધી ચેતવણી આપી છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોમાંથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ.
આતંકવાદ અને પરમાણુ હથિયારો અંગે અમેરિકાની ચિંતા
અમેરિકન વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ દેશ ઈરાન સાથે વેપારી કરાર કરે અને ઈરાન તે નાણાંનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે, તો અમેરિકા તે સહયોગી દેશ પર પણ સમાન આકરા પ્રતિબંધો લાદવામાં પાછીપાની કરશે નહીં. જોકે, તેમણે એમ પણ કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી.
આ પણ વાંચો: જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન!
SCO સમિટમાં પીએમ મોદી અને પેઝેશ્કિયાન વચ્ચે ચર્ચા
બિશકેક ખાતે યોજાયેલી આ સમિટમાં પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ક્ષેત્રના વિવાદો પર ગહન ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ ભારતનું પરંપરાગત વલણ દોહરાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ વૈશ્વિક સમસ્યા કે વિવાદનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં, પરંતુ માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ આવી શકે છે. આ સાથે તેમણે દરિયાઈ માર્ગે થતી વાહતુક, મુક્ત વેપારની સુરક્ષા તેમજ જહાજો પર કામ કરતા નાવિકોની સુરક્ષાનો મુદ્દો પણ વિશેષ રૂપે ઉઠાવ્યો હતો.
ઈરાનનો અમેરિકા પર આક્ષેપ અને ભારત પાસેથી અપેક્ષાઓ
બીજી બાજુ, ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને સંઘર્ષના સમયમાં ભારતે આપેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે ભારત પોતાની પ્રભાવશાળી કૂટનીતિક ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરે. સાથે જ તેમણે અમેરિકા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વોશિંગ્ટને કૂટનીતિનો માર્ગ અપનાવવાને બદલે યુદ્ધ અને અશાંતિનો રસ્તો પસંદ કર્યો છે.
આમ, પીએમ મોદી અને ઈરાની પ્રમુખની આ મુલાકાતે અમેરિકાનું ધ્યાન ખેંચ્યું છે અને ટ્રમ્પ પ્રશાસને પોતાની કડક નીતિ પણ સ્પષ્ટ કરી દીધી છે. એક તરફ અમેરિકાના પ્રતિબંધોનો ડર છે, તો બીજી તરફ ભારત પોતાના સ્વતંત્ર વિદેશી સંબંધો અને શાંતિવાદી અભિગમ વચ્ચે કૂટનીતિક સંતુલન જાળવીને આગળ વધી રહ્યું છે.
