ભારતીયો માટે EB-1 ગ્રીન કાર્ડ બંધ થવાની આરે! ટ્રમ્પ સરકારની ચેતવણી.
અમેરિકામાં કાયમી વસવાટ કરવા અને ગ્રીન કાર્ડ મેળવવાનું સ્વપ્ન સેવતા ભારતીય પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીઓ વધી રહી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની તાજેતરની ચેતવણીએ હજારો ભારતીયોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે અતિશય માંગને કારણે આગામી સમયમાં મહત્વપૂર્ણ વિઝા કેટેગરીઝ બંધ થઈ શકે છે.
EB-1 ગ્રીન કાર્ડ કેટેગરી કામચલાઉ બંધ થવાની ભીતિ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર ચેતવણી આપી છે કે ભારતીય અરજદારો તરફથી અતિશય ઊંચી માંગને કારણે ‘EB-1’ ગ્રીન કાર્ડ કેટેગરી આગામી થોડા અઠવાડિયામાં કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે. જો આ જ ઝડપે વિઝાનો ઉપયોગ ચાલુ રહેશે, તો 30 સપ્ટેમ્બરે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં જ આ કેટેગરીને ‘અનઅવેલેબલ’ જાહેર કરી દેવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2026 માટે વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન વિઝાની મર્યાદા 1,86,317 નક્કી કરાઈ છે, જ્યારે ભારતીયોની માંગ તેના કરતા ઘણી વધારે છે.
શું છે આ EB-1 કેટેગરી અને તેની સ્થિતિ?
EB-1 એ યુએસ એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડની પ્રથમ પ્રાથમિકતાવાળી શ્રેણી છે, જેમાં અસાધારણ પ્રતિભા ધરાવતા નિષ્ણાતો, પ્રોફેસરો, સંશોધકો અને બહુરાષ્ટ્રીય કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર મહિના માટે EB-1 ઇન્ડિયાની ‘ફાઇનલ એક્શન ડેટ’ 15 ઓક્ટોબર 2022 નક્કી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ કેટેગરીમાં પણ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે.
EB-2, EB-3 અને EB-5 કેટેગરીઝની વર્તમાન સ્થિતિ
EB-2 કેટેગરી: ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રી ધરાવતા વ્યાવસાયિકો માટેની આ લોકપ્રિય કેટેગરી સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતીયો માટે ‘અનઅવેલેબલ’ (U) રાખવામાં આવી છે.
EB-3 કેટેગરી: આ કેટેગરીમાં ભારતીયો માટેનો ઇંતેજાર 12 વર્ષથી પણ વધુ જૂનો થઈ ગયો છે, કેમ કે ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 છે.
EB-5 કેટેગરી: સામાન્ય રોકાણકારો માટેની આ કેટેગરી પણ સપ્ટેમ્બરમાં અનઅવેલેબલ છે, જોકે ગ્રામીણ કે પાયાની માળખાકીય યોજનાઓ માટેની વિશિષ્ટ સબ-કેટેગરીઝ હાલ ઉપલબ્ધ છે.
આમ, અમેરિકાના કડક ઇમિગ્રેશન નિયમો અને મર્યાદિત વિઝા ક્વોટાને કારણે ભારતીય પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ વધુ કઠિન બની રહ્યો છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય, તો હજારો વ્યાવસાયિકોનું અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન લાંબુ ખેંચાઈ શકે છે.
