ઓમ બિરલા vs કે.સુરેશ : આઝાદી પછી પ્રથમ વખત અધ્યક્ષપદ માટે ચૂંટણી
ભારતના સંસદીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે. ડેપ્યુટી સ્પીકર પદ માટેની વિપક્ષોની માગણી અંગે ભાજપે સ્પષ્ટ જવાબ ન આપતા એનડીએ ના ઉમેદવાર ઓમ બિરલા સામે ઇન્ડિયા ગઠબંધને કોંગ્રેસના કેરળના સાત ટર્મના સાંસદ કે. સુરેશ ને મેદાનમાં ઉતાર્યા હતા. આ પદ માટે બુધવારે સવારે 11 વાગ્યે મતદાન થશે.
અધ્યક્ષ પદ માટે સર્વસંમતિ સાધવા માટે ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા સંસદીય મંત્રી કિરણ રિજજુને જવાબદારી સોંપી હતી. જો કે વિપક્ષોએ ડેપ્યુટી સ્પીકર પદની માંગણી સંતોષાય તો જ એનડીએના ઉમેદવારને સમર્થન આપવાનું વલણ અપનાવતા મામલો ગુચવાયો હતો. ભાજપે એ શરત સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ અધ્યક્ષપદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદતની દસ મિનિટ પહેલા ઇન્ડિયા ગઠબંધન વતી કે. સુરેશે ફોર્મ ભર્યું હતું. નોંધનીય છે કે વર્તમાન સંસદમાં એનડીએ 293 સાંસદો ધરાવે છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનનું સંખ્યા પણ 234 નું છે. આ સંજોગોમાં ઓમ બિરલા નો વિજય નિશ્ચિત છે પણ ઉમેદવાર ઉભો રાખવાનું વિપક્ષોનું પગલું આવતા દિવસોમાં સંસદમાં એનડીએ અને ઇન્ડિયા વચ્ચે સર્જનારા ઘર્ષણના એંધાણ આપનારું બની રહ્યું છે.
ભાજપે સંસદીય પરંપરાનો ભંગ કર્યો છે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષોને આપવામાં આવે તો બધા વિપક્ષો એનડીએના ઉમેદવારને સમર્થન આપવા માટે તૈયાર હતા. રાજનાથ સિંઘે એ અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી અને બાદમાં નિર્ણય જણાવવાની ખાતરી આપી હતી પરંતુ તેમનો વળતો ફોન આવ્યો ન હતો. રાહુલે કહ્યું કે ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષોને આપવાની પરંપરા છે પરંતુ ભાજપે એ પરંપરાનો ભંગ કર્યો છે.
બોક્સ
શરતી સમર્થન મંજૂર નથી: પિયુષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ એ કહ્યું કે સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર કોઈ પક્ષના નથી હોતા એ આખી સંસદના હોય છે. વિપક્ષોએ ડેપ્યુટી સ્પીકર પદના બદલામાં સમર્થનની સમર્થ શરત મૂકી પણ અમને એવું રાજકારણ મંજૂર નથી. કોઈ એક જ વ્યક્તિ કે કોઈ એક જ પક્ષના સાંસદને ડેપ્યુટી સ્પીકર બનાવવાની માગણી કરવી એ સંસદીય પરંપરા નો ભાગ નથી.
મંત્રણા પડી ભાંગી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કોંગી નેતા કે વેણુગોપાલ વચ્ચેની બેઠકમાં ભાજપે ડેપ્યુટી સ્પીકર પદ માટે બાદમાં નિર્ણય લેવાની દરખાસ્ત કરી હતી. જો કે વેણુગોપાલે એ બેઠકમાં જ નિર્ણય લઈ લેવાનો આગ્રહ રાખતા બેઠક પડી ભાંગી હતી.