370 કલમ કાનૂની જંગ: નેહરુ તો લાહોર જવા પણ તૈયાર હતા સરદાર પટેલે રોક્યા હતા
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલથી વિવાદ ની સંભાવના
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના નિર્ણય સામે ચાલતા કાનૂની જગમાં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલા કેટલાક તથ્યોને કારણે રાજકીય વિવાદ વકરવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે 370 કલમ લાગુ કરવા માટે નેહરુને જવાબદાર ઠેરવ્યા હતા અને આ આખા ઘટના ક્રમમાં નહેરુ અને સરદાર પટેલની ભૂમિકાઓનું વર્ણન કર્યું હતું.
કેન્દ્ર સરકાર વતી દલીલ કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં નેહરુના દૂત તરીકે કામ કરનાર ગોપાલ સ્વામી આયંગરના કહેવાથી જ નેહરુએ 370 મી કલમ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે આ સમગ્ર ઘટનાક્રમ રજૂ કરતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીર પડાવી લેવા માટે પાકિસ્તાન હુમલો કરશે એ ખતરો કાશ્મીરનું ભારત સાથે વિલીનીકરણ થયું તે પહેલા જ સરદાર પટેલ ભાળી ગયા હતા અને એટલે જ સાત જુલાઈ 1947 ના રોજ સરદારે કાશ્મીરના મહારાજ હરિ સિંહને પત્ર લખી ભારત સાથે જોડાઈ જવાનો અનુરોધ કર્યો હતો.
મહેતાએ વિશેષમાં જણાવ્યું કે કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાઈ જવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા ત્યારે મહમદ અલી જિન્નાહ એ એ અંગે ચર્ચા કરવા માટે નેહરુને લાહોર આવવાનું આમંત્રણ આપ્યું હતું. લોર્ડ માઉન્ટબેટન પણ લાહોર જવા તૈયાર હતા અને તેમની સલાહ ને કારણે નહેરુ પણ તૈયાર થઈ ગયા હતા. જોકે હુમલાખોર પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની સશર્ત વાત ન થઈ શકે એવો નેહરુનો મત હતો. અંતે આંખો મામલો ગાંધીજી પાસે પહોંચ્યો હતો અને ગાંધીજીએ મધ્યમ માર્ગ કાઢી નહેરુને લાહોર જતા અટકાવ્યા હતા અને લોર્ડ માઉન્ટબેટનને જવાની મંજૂરી આપી હતી. તુષાર મહેતાએ આ વાત કેટલાક પુસ્તકોનો હવાલો આપી અને કરી હતી.
નોંધનીય છે કે કાશ્મીર ની સમસ્યા માટે ભાજપ પહેલેથી જ નેહરુને જવાબદાર ગણાવતો રહ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ એ જ હેતુની દલીલ થતા રાજકીય વિવાદ વધવાની સંભાવના છે. કેન્દ્રના સોલિસિટર જનરલે કરેલી આ દલીલ કેસના કાનૂની પાસા સાથે સુસંગત છે કે કેમ તેવો પ્રશ્ન કેટલાક કાનૂનવિદોએ પણ ઉઠાવ્યો હતો.