મણિપુર ફરી અશાંત: બોટમાં આવેલા ઘુસણખોરોએ મકાનો સળગાવ્યા
બોટમાં આવેલા ઘુસણખોરોનો આતંક:મકાનો સળગાવ્યા
મણીપુરમાં શુક્રવારે મેઇતી સમુદાયના એક શખ્સની હત્યા બાદ ફેલાયેલી તંગદીલી વચ્ચે મોડી રાત્રે ત્રણથી ચાર બોટમાં આવેલા ઘૂસણખોરોએ પોલીસ મથકો અને અનેક ગામડાઓ પર હુમલા કરતા વાતાવરણ ફરી એક વખત સ્ફોટક બન્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ મણીપુરના જીરાબામ જિલ્લામાં આવેલી બરાક નદીમાં મધરાત્રે ત્રણથી ચાર બોટમાં ઘૂસણખોરો ધસી આવ્યા હતા. આ ઉગ્રવાદીઓએ રાત્રે 12:30 વાગ્યે ચોંટોબેકરા ગામના પોલીસ આઉટ પોસ્ટને આગ ચાપી દીધી હતી ત્યાંથી આગળ વધ્યા બાદ એ ઉગ્રવાદીઓએ લામતાઈ ખુનોઉ અને મોધપુર નામના ગામમાં આવેલ પોલીસ ચોકીઓ પણ સળગાવી દીધી હતી.
ઘૂસણખોરોએ રીતસર આતંક જ મચાવ્યો હતો. નદી કાંઠે આવેલા અનેક ગામડાઓમાં હુમલા થયા હતા. ગ્રામજનોના મકાનો સળગાવી દીધા પછી આ આતંક ની ઉજવણી કરતા ઉગ્રવાદીઓ ના વિડીયો વાયરલ થયા હતા. નોંધનીય છે કે જીબારામ જિલ્લામાં વિવિધ વંશીય સમુદાયોની મિશ્ર વસ્તી છે. અત્યાર સુધી આ જિલ્લામાં કોઈ નોંધપાત્ર અનિચ્છનીય ઘટના નહોતી બની. પરંતુ શુક્રવારે કુકી સમુદાય દ્વારા 59 વર્ષના એક શખ્સની હત્યા કરાયા બાદ વાતાવરણ અજંપાગ્રસ્ત બન્યું હતું.
આસામ રાયફલસે જીબરામ આસપાસ રહેતા મેઇતી સમુદાયના 251 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. ઘૂસણખોરી શુક્રવારે જ્યાંથી હુમલાની શરૂઆત કરી તે જીબરામ ગામ પાટનગર ઇમ્ફાલથી 220 કિલોમીટર દૂર આવેલું છે અને આસામ નેશનલ હાઈવે 37 ત્યાંથી પસાર થાય છે. આ વિસ્તારની આસપાસ મહદ અંશે કુકી સમુદાયના ગામડાઓ છે. એ વિસ્તારમાં થયેલા આ હુમલા બાદ ફરી એક વખત મણીપુરમાં અશાંતિ સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે.