1998માં થયેલા 23 કાશ્મીરી પંડિતોના ક્રૂર નરસંહારની તપાસ ફરી શરૂ
જમ્મુ-કાશ્મીર SIAએ આતંકવાદીઓ અને તેમના મદદગારોની ઓળખ માટે દરોડા પાડ્યા
ટીકા લાલ ટપલૂ અને જસ્ટિસ નીલકંઠ ગંજૂ હત્યા કેસની તપાસ પણ વેગવંતી
જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ 1998માં ગાંદરબલ જિલ્લાના વંધામાં ગામમાં થયેલા 23 કાશ્મીરી પંડિતોના નરસંહારની તપાસ ફરી શરૂ કરી છે. ખીણમાં આતંકવાદના ઉગ્ર સમયગાળા દરમિયાન થયેલી લક્ષિત હત્યાઓના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને ફરી જીવંત કરવાની ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ SIAએ થોડા દિવસ પહેલાં કાશ્મીર ખીણના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી હવે હત્યાકાંડમાં સામેલ આતંકવાદીઓ તથા તેમને મદદ કરનારા લોકોની ઓળખ કરીને તેમની ભૂમિકા નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.
25 જાન્યુઆરી, 1998ના રોજ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ વંધામાં ગામમાં કાશ્મીરી પંડિતોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કરીને 23 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં નવ મહિલાઓ અને ચાર બાળકોનો પણ સમાવેશ થતો હતો. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તથા રમઝાનના પવિત્ર શબ-એ-કદરની રાત્રે બનેલી આ ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો.
દાયકાઓ સુધી આ કેસ ઉકેલાયા વિના પડ્યો રહ્યો હતો. હવે SIA જૂના પુરાવા, સંદિગ્ધો અને નવા મળેલા સૂત્રોના આધારે તપાસને નવી દિશા આપી રહી છે. એજન્સી છેલ્લા કેટલાક મહિનાથી કાશ્મીરી પંડિતોની હત્યાના અનેક જૂના કેસોને ફરી ખોલીને તપાસ કરી રહી છે.અને એકે સોની તપાસના ભાગરૂપે વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદના શરૂઆતના વર્ષોમાં થયેલા કાશ્મીરી પંડિતોના હત્યાકાંડમાં સંડોવાયેલા બચેલા આરોપીઓ, આતંકવાદીઓ અને તેમના સાથીદારો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પરિણામે ત્રણ દાયકાથી વધુ જૂના અને ચર્ચિત કેસો ફરી એક વખત તપાસના કેન્દ્રમાં આવ્યા છે.
આ તમામ હત્યાકાંડોની તપાસ પણ શરૂ
ટીકા લાલ ટપલૂ હત્યા કેસ (1989)
ભાજપના તે સમયના ઉપપ્રમુખ અને જાણીતા વકીલ ટીકા લાલ ટપલૂની સપ્ટેમ્બર 1989માં શ્રીનગરમાં તેમના નિવાસસ્થાન નજીક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
જસ્ટિસ નીલકંઠ ગંજૂ હત્યા કેસ (1989)
JKLF આતંકવાદી મકબૂલ ભટ્ટને ફાંસીની સજા સંભળાવનાર જસ્ટિસ ગંજૂની 4 નવેમ્બર, 1989ના રોજ શ્રીનગરમાં હત્યા કરવામાં આવી હતી.
સરલા ભટ્ટ હત્યા કેસ (1990)
કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટના અપહરણ અને હત્યા કેસમાં SIAએ તાજેતરમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.તેમાં યાસીન મલિક ને મુખ્ય સૂત્રધાર ગણાવાયો છે.
સર્વાનંદ કૌલ પ્રેમી કેસ (1990)
પ્રસિદ્ધ કાશ્મીરી લેખક સર્વાનંદ કૌલ પ્રેમી અને તેમના પુત્ર વિરેન્દ્ર કૌલની હત્યાના કેસમાં અનેક સ્થળોએ દરોડા અને તપાસ ચાલી રહી છે.
