ચીનનો ગેરકાયદે કબજે ભારતે કદી સ્વીકાર્યો નથી : વિરોધ નોંધાવ્યો છે
ચીને તાજેતરમાં જિનજિયાંગ અને તિબેટ ક્ષેત્રમાં બે નવી કાઉન્ટી સ્થાપતા વિવાદ થયો છે. તેનો કેટલોક વિસ્તાર લદાખમાં આવે છે.એ મુદે સંસદમાં પૂછાયેલા સવાલના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે, ભારતે ક્દી ભારતીય ભૂમિ પરના ચીનના ગેરકાયદે કબજાને સ્વીકાર્યો ન હોવાનું અને તે બાબતે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હોવાનું જણાવ્યું હતું.
લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે,”ભારતે આ વિસ્તારમાં ભારતીય પ્રદેશના ગેરકાયદેસર ચીની કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી. નવા કાઉન્ટીઓની રચના ભારતના આ વિસ્તાર પરની સાર્વભૌમત્વ અંગેની લાંબા સમયથી ચાલતી અને સુસંગત સ્થિતિ પર કોઈ અસર કરશે નહીં, કે નહીં ચીનના ગેરકાયદેસર અને જબરજસ્તીના કબજાને કાયદેસરતા આપશે.”ભારત સરકારે આ અંગે રાજદ્વારી માધ્યમો દ્વારા ગંભીર વિરોધ નોંધાવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભારતે નોંધાવેલા વિરોધ અને ચીને આપેલી પ્રતિક્રિયા અંગે જવાબ આપતા રાજ્ય મંત્રીએ ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તથા આ વિસ્તારોના આર્થિક વિકાસને સરળ બની શકાય તે માટે આંતરમાળખીય સુધારા પર કાળજીપૂર્વક ધ્યાન અપાતું હોવાનું જણાવ્યું હતું.
સરકાર ભારતની સુરક્ષા પર અસર કરતા તમામ પાસાઓ પર સતત નજર રાખે છે અને તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લે છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.