કોઈ દેશનું ચલણ આખી દુનિયાનું નાણું કઈ રીતે બની જાય છે?
રાષ્ટ્રવાદ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સૌથી મોટો તફાવત!
ભારત સરકારે તાજેતરમાં વેપારના નિયમોમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. હવે જો કોઈ ભારતીય નિકાસકાર વિદેશી વેપારનું પેમેન્ટ રૂપિયામાં સ્વીકારશે, તો તેને પણ ડોલર કમાનાર વેપારીની જેમ જ સમાન સરકારી લાભ મળશે. આ રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાનો એક શાનદાર પ્રયાસ છે. બીજી તરફ બ્રિક્સ દેશો પણ ડોલરની દાદાગીરી તોડવા માટે પોતાની સ્વતંત્ર પેમેન્ટ સિસ્ટમ બનાવવા મથી રહ્યા છે. પણ સોમવારના આ વિશેષ પૃષ્ઠ પર આપણે આ વિષયને કોઈ સસ્તા રાષ્ટ્રવાદ કે ડોલર વિરુદ્ધ રૂપિયાના ભાવનાત્મક ચશ્માથી નથી જોવો. અર્થશાસ્ત્રનો સૌથી મોટો દાર્શનિક સવાલ એ છે કે: કોઈ એક દેશનું નાણું આખી દુનિયાનું નાણું કઈ રીતે બની જાય છે? કાગળ પર છાપેલો આંકડો સરહદ કઈ રીતે પાર કરે છે?
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે સરકાર કાયદો બનાવે કે રિઝર્વ બેંક જાહેરાત કરે એટલે નાણું આખી દુનિયામાં ચાલવા લાગે. પોતાના દેશની સરહદમાં આ વાત સો ટકા સાચી છે, કારણ કે નાગરિકો માટે દેશનું ચલણ વાપરવું કાયદેસર રીતે ફરજિયાત હોય છે. પણ દેશની સરહદ પાર કર્યા પછી તમારો કોઈ કાયદો કે કોઈ પોલીસ કામ નથી લાગતી!
ચલણ ગ્લોબલ ત્યારે જ બને છે જ્યારે કોઈ સાવ અજાણ્યો વિદેશી માણસ, તમારો વેપાર સંબંધિત વ્યવહાર પૂરો થઈ ગયા પછી પણ, તમારા દેશના ચલણને સ્વેચ્છાએ પોતાના ખિસ્સામાં કે બેંકમાં સાચવી રાખવા તૈયાર થાય.
ભરોસાનું વિજ્ઞાન: અજાણ્યા લોકોની સ્વીકૃતિ
જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે અને રશિયાને રૂપિયામાં પેમેન્ટ કરે, તો સવાલ એ છે કે રશિયા એ રૂપિયાનું કરશે શું? જો રશિયા એ રૂપિયામાંથી ભારત પાસેથી બીજી કોઈ ચીજવસ્તુ ન ખરીદી શકે, તો તેના માટે એ રૂપિયા પસ્તી સમાન છે.
ગ્લોબલ કરન્સી બનવાની પહેલી શરત એ છે કે દુનિયાના લોકો તેમાં માત્ર વેપાર જ નહીં, પણ બચત કરવા માંગતા હોવા જોઈએ. જો સાઉદી અરેબિયા તેલ વેચીને અબજો રૂપિયા કમાય, તો તેને એ ભરોસો હોવો જોઈએ કે પાંચ વર્ષ પછી પણ આ રૂપિયાની કિંમત બજારમાં અકબંધ રહેશે. નાણું એ બીજું કંઈ નથી, પણ બે અજાણ્યા લોકો વચ્ચેનો મનોવૈજ્ઞાનિક ભરોસો છે.
આ પણ વાંચો: હમ નહીં સુધરેંગે? બે સ્થળે વિદેશી દારૂનો જથ્થો પકડ્યો, પાર પાડ્યા લાખેણા આંક?
ડોલરની દાદાગીરી પાછળનું અસલી કારણ
લોકોમાં એક મોટો ભ્રમ છે કે અમેરિકન આર્મી પાવરફુલ છે અને અમેરિકા બેફામ નોટો છાપે છે એટલે ડોલરનું વર્ચસ્વ છે. ઇતિહાસમાં બ્રિટનના પાઉન્ડ સ્ટર્લિંગનું પણ આવું જ ભયાનક વર્ચસ્વ હતું. ડોલર આજે દુનિયા પર રાજ કરે છે કારણ કે દુનિયાના રોકાણકારોને ડોલર પર સંપૂર્ણ ભરોસો છે. દુનિયાભરના દેશો પોતાની વિદેશી લોન ડોલરમાં લે છે.બે અલગ અલગ દેશો પોતાના વેપારી કોન્ટ્રાક્ટ ડોલરમાં સાઇન કરે છે. દુનિયાની મધ્યસ્થ બેંકો પોતાની બચત અમેરિકન ટ્રેઝરીમાં રોકે છે.
અમેરિકાના બજારો એકદમ ખુલ્લા છે. તમે ગમે ત્યારે ડોલર લઈને અમેરિકામાં ઘૂસી શકો છો અને ગમે ત્યારે અબજો ડોલર લઈને બહાર નીકળી શકો છો. ત્યાં સરકારનું મૂડી પર કોઈ કડક નિયંત્રણ નથી. આ ફ્રી ફ્લો જ ડોલરની અસલી તાકાત છે.
રૂપિયાની ગ્લોબલ સફરમાં આવતા ત્રણ સ્પીડબ્રેકર
સરકાર ઈચ્છે છે કે વિદેશીઓ રૂપિયામાં વેપાર કરે, પણ તેની સામે આ ત્રણ નક્કર આર્થિક દિવાલો ઊભી છે:
(૧) મૂડી નિયંત્રણ: ભારતમાં રૂપિયાને મુક્તપણે વિદેશ લઈ જવા કે મોટા પાયે લાવવા પર રિઝર્વ બેંકના કડક નિયમો (કેપિટલ કંટ્રોલ) છે. વિદેશી રોકાણકારોને એવા ચલણમાં રસ નથી હોતો જ્યાં પૈસા પાછા ખેંચવામાં સરકારી નિયમો નડતા હોય.
(૨) વેપાર ખાધ: ભારત દુનિયાને જેટલો માલ વેચે છે, તેના કરતા ઘણો વધુ માલ વિદેશથી ખરીદે છે (ટ્રેડ ડેફિસિટ). જ્યારે આપણી નિકાસ જ ઓછી છે, ત્યારે દુનિયાના બજારમાં રૂપિયા ફરતા ક્યાંથી થશે?
(૩) બોન્ડ માર્કેટની ઊંડાઈ: વિદેશીઓ પાસે જો અબજો રૂપિયા ભેગા થઈ જાય, તો તેને સુરક્ષિત રીતે ઇન્વેસ્ટ કરવા માટે ભારત પાસે અમેરિકા જેવું વિશાળ અને ઊંડું બોન્ડ માર્કેટ હોવું જરૂરી છે, જે હજુ ભારતમાં ડેવલપ થઈ રહ્યું છે.
કોઈપણ દેશના ચલણને આંતરરાષ્ટ્રીય બનવા માટે માત્ર સરકારી કાયદા કે સબસિડી પૂરતા નથી હોતા. ચલણ એ દેશની આર્થિક શિસ્ત, બજારની પારદર્શિતા અને વૈશ્વિક ભરોસાનું સીધું પ્રતિબિંબ છે. ભારત સરકારના પ્રયાસો બિલકુલ સાચી દિશામાં છે, પણ રૂપિયાને પોતાનો ગ્લોબલ પાસપોર્ટ ત્યારે જ મળશે જ્યારે દુનિયાનો વેપારી કોઈપણ સરકારી દબાણ વગર, પોતાની સંપૂર્ણ સ્વેચ્છાએ રૂપિયાને પોતાના બેંક એકાઉન્ટમાં કાયમી જગ્યા આપવાનું શરૂ કરશે.
શું તમને લાગે છે કે આગામી દાયકાઓમાં એશિયાના દેશો ભેગા મળીને યુરોની જેમ કોઈ સમાન કરન્સી ઊભી કરી શકશે જે ડોલરની ગુલામીમાંથી મુક્ત કરાવી શકે?
કરન્સી અને ટ્રસ્ટના ૩ અજાણ્યા સિદ્ધાંતો
નેટવર્ક ઈફેક્ટ ઓફ મની: ટેલિફોન કે સોશિયલ મીડિયાની જેમ નાણાંમાં પણ નેટવર્ક ઈફેક્ટ કામ કરે છે. જેટલા વધુ લોકો ડોલર વાપરે, તેટલો ડોલર વધુ પાવરફુલ બને અને તેનો ઉપયોગ વધુ આસાન બને. જ્યારે કોઈ નવો ખેલાડી બજારમાં આવે ત્યારે તેને દાયકાઓ જૂના આ પ્રસ્થાપિત નેટવર્કને તોડવામાં ભારે સંઘર્ષ કરવો પડે છે.
કરન્સી ઈન્વોઈસિંગ સાયકોલોજી: જ્યારે જાપાન અને બ્રાઝિલ જેવા બે દેશો વચ્ચે વેપાર થાય છે, ત્યારે બંને દેશો પોતાની લોકલ કરન્સી વાપરવાને બદલે વસ્તુનો ભાવ ડોલરમાં નક્કી કરે છે. આને ઈન્વોઈસિંગ કરન્સી કહેવાય છે. દુનિયાના 70 ટકાથી વધુ કોન્ટ્રાક્ટ એવા દેશો વચ્ચે ડોલરમાં થાય છે, જેમાંથી એકપણ દેશ અમેરિકા નથી હોતો
પાઉન્ડનું પતન: 19મી સદીમાં દુનિયાનો 60 ટકા વેપાર બ્રિટિશ પાઉન્ડમાં થતો હતો. પણ બે વિશ્વયુદ્ધ અને બ્રિટન પર ચડેલા જંગી દેવાના કારણે દુનિયાનો ભરોસો તૂટી ગયો. માત્ર 20 થી 30 વર્ષના ટૂંકા ગાળામાં ડોલરે પાઉન્ડને કાયમ માટે ગાદી પરથી ઉતારી દીધો હતો. ઇતિહાસ સાક્ષી છે કે કરન્સીનું સામ્રાજ્ય ક્યારેય અમર નથી હોતું.
